1 અને દાઉદના નગરમાં દાઉદે પોતાને માટે ઘરો બનાવ્યાં; ને તેણે દેવના કોષને સારૂ જગ્યા તૈયાર કીધી, ને તેને સારૂ મંડપ ચોઢયો.

2 ત્યારે દાઉદે કહ્યું કે, લેવીઓ શિવાય કોઇએ દેવનો કોષ ઉચકવો નહિ; કેમકે દેવનો કોષ ઉંચકવા સારૂ તથા સદા તેની સેવા કરવા સારૂ યહોવાહે તેઓનેજ પસંદ કીધી છે.

3 અને દાઉદે યહોવાહના કોષને સારૂ જે જગ્યા તૈયાર કીધી હતી, ત્યાં તેને લઇ જવા સારૂ તેણે યરૂશાલેમમાં સર્વ ઇસ્રાએલને ભેગા કર્યા.

4 અને દાઉદે હારૂનના પુત્રોને તથા લેવીઓને એકઠા કર્યા;

5 કહાથના પુત્રોમાંના; ઉરીએલ મુખ્ય, તથા તેના ભાઈઓ, એક સો ને વીસ;

6 મરારીના પુત્રોમાંના; અસાયાહ મુખ્ય, તથા તેના ભાઈઓ બસેં ને વીસ;

7 ગેર્શોમના પુત્રોમાંના; યોએલ મુખ્ય, તથા તેના ભાઈઓ એક સો ને ત્રીસ;

8 અલીસાફાનના પુત્રોમાંના; શમાયાહ મુખ્ય, તથા તેના ભાઈઓ બસેં;

9 હેબ્રોનના પુત્રોમાંના; અલીએલ મુખ્ય, તથા તેના ભાઈઓ એંસી;

10 ઉઝ્ઝીએલના પુત્રોમાંના; આમ્મીનાદાબ મુખ્ય, તથા તેના ભાઈઓ એક સો ને બાર.

11 અને દાઉદે સાદોક તથા અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયાહ, તથા યોએલ, શમાયાહ, તથા અલીએલ તથા આમ્મીનાદાબ, એ લેવીઓને બોલાવ્યા,

12 ને તેઓને કહ્યું કે, તમે લેવીના બાપોનાં ઘરોના મુખ્ય છો; તમે તથા તમારા ભાઈઓ બન્ને પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇસ્રાએલના દેવ યહોવાહના કોષને સારૂ તૈયાર કરી છે ત્યાં તેને લઇ આવો.

13 તમે પહેલે વખતે તેને ન ઉંચક્યો, માટે આપણા દેવ યહોવાહ આપણામાં ભંગાણ પાડ્યું, કેમકે આપણે નિયમ પ્રમાણે તેની હજુરીમાં ગયા નહિ.

14 એ માટે યાજકોએ તથા લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાહનો કોષ લઇ આવવા સારૂ પોતાને શુદ્ધ કર્યા.

15 અને યહોવાહના વચન પ્રમાણે મુસાએ જે આજ્ઞા આપી હતી, તેમ લેવીના પુત્રોએ પોતાની ખાંધ પર દેવનો કોષ તેની અંદરના દાંડાવડે ઉપાડ્યો.

16 ને દાઉદે લેવીઓના મુખ્યોને કહ્યું કે, વાજીંત્રોથી, સ્ટાર તથા વીણાઓ તથા ઝાંઝથી, મોટી આવાજ કરવા સારૂ તથા ઉત્સાહથી મોટી વાણી કહાડવા સારૂ, પોતાના ગવૈયા ભાઈઓને નિમવા.

17 માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને; તથા તેના ભાઈઓમાંના બેરેખ્યાહના પુત્ર આસાફને; તથા તેમના ભાઇઓના એટલે મરારીના પુત્રોમાંના કૂશાયાહના પુત્ર એથાનને;

18 ને તેઓની સાથે તેઓના બીજી પાયરીના ભાઈઓને, એટલે ઝખાર્યાહ, ben તથા યઅઝીએલ તથા શમીરામોથ તથા યહીએલ તથા ઉન્ની, અલીઆબ તથા બનાયાહ તથા માઅસેયાહ તથા માત્તિથ્યાહ તથા અલીફલેહૂ તથા મિકનેયાહ તથા ઓબેદ-અદોમ તથા યેઇએલ, એઓને દ્વારપાળો નિમ્યા.

19 એમ હેમાન, આસાફ તથા એથાન, એ ગવૈયા પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારૂ નિમાયા;

20 ને અલામોથ રાગે ચઢાવેલા સતારો સહિત ઝખાર્યાહ તથા અઝીએલ તથા શમીરામોથ તથા યહીએલ તથા ઉન્ની તથા અલીઆબ તથા માઅસેયાહ તથા બનાયાહને;

21 અને શમીનીથ રાગે ચઢાવેલા વીણાઓ સહિત રાગ કાઢવા સારૂ માત્તિથ્યાહ તથા અલીફલેહૂ તથા મિકનેયાહ તથા ઓબેદ-આદોમ તથા યેઇએલ તથા અઝાઝ્યાહ નિમ્યા.

22 અને લેવીઓનો મુખ્ય કનાન્યાહ ગાયનનો ઉપરી હતો; તે પ્રવીણ હતો, એ માટે તે ગાયન વિષે શિખવતો.

23 અને બેરેખ્યાહ તથા એલ્કાનાહ કોષને માટે દ્વારપાળો હતા.

24 અને શબાન્યાહ તથા યોશાફાટ તથા નાથાનએલ તથા અમાસાય તથા ઝખાર્યાહ તથા બનાયાહ તથા અલીએઝેર યાજકો દેવના કોષની આગળ રણશિંગડા વગાડનારા હતા; ને ઓબેદ-એદોમ તથા યહીયાહ કોષને માટે દ્વારપાળો હતા.

25 માટે દાઉદ તથા ઇસ્રાએલના વડીલો તથા સહસ્રાધિપતિઓ આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાહનો કરારકોષ લઇ આવવા સારૂ ગયા;

26 ને જયારે દેવે યહોવાહનો કરાર કોષ ઉંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે એમ થયું કે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનો યજ્ઞ કીધો.

27 અને દાઉદે તથા કોષ ઉંચકનાર સર્વ લેવીઓએ તથા ગવૈયાઓએ તથા ગવૈયાઓના ગાયનના ઉપરી કનાન્યાહે ઝીણા શણના ઝભ્ભા પહેરેલા હતા; ને દાઉદે શણનો એફોદ પહેરેલો હતો.

28 એમ સર્વ ઇસ્રાએલો યહોવાહના કરારકોષને હર્ષનાદ સહિત તથા સરણાઈના અવાજ સહિત તથા રણશિંગડા સહિત તથા ઝાંઝ સહિત, સતાર, તથા વીણાથી મોટો અવાજ કરતાં લઇ આવ્યા.

29 અને યહોવાહનો કરાર કોષ દાઉદના નગરમાં આવ્યો, ત્યારે એમ થયું કે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કરીને દાઉદને રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો; ને તેણીએ પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.