2 અને તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્નાહ, ને બીજીનું નામ પનિન્નાહ; ને પનિન્નાહને છોકરાં હતાં, પણ હાન્નાહને છોકરાં ન હતાં.

3 અને આ માણસ વર્ષોવર્ષ પોતાના નગરમાંથી શીલોહમાં સૈન્યના યહોવાહનું ભજન કરવા સારૂ જતો હતો; ને એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ યહોવાહના યાજક ત્યાં હતા.

4 અને એલ્કાનાહને યજ્ઞ કરવાનો દિવસ આવ્યો, ત્યારે તેણે પોતાની પત્ની પનિન્નાહને તથા તેણીના સર્વ દીકરા દીકરીઓને ભાગ વહેંચી આપ્યાં;

5 પણ હાન્નાહને તેણે બમણો ભાગ આપ્યો, કેમકે તે હાન્નાહ પર પ્રીતિ રાખતો હતો, પણ યહોવાહે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું.

6 અને યહોવાહે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું, માટે તેને ખિજવવા સારૂ તેની સોક તેનું બહુ ચિડવતી હતી

7 અને જયારે તે યહોવાહના ઘરમાં જતી, ત્યારે વર્ષો વર્ષ તેનો ઘણી તેમ કરતો, માટે તે તેને ચિડવતી હતી; તેથી તે રડતી ને ખાતી નહિ.

8 અને તેના પતિ એલ્કાનાહે તેને કહ્યું, હાન્નાહ, તું કેમ રડે છે? ને કેમ ખાતી નથી? ને તારૂં હૃદય કેમ ઉદાસ છે? તારે સારૂ દસ દીકરા કરતાં હું અધિક નથી શું?

9 અને શીલોહમાં તેઓ ખાઇ પી રહ્યા પછી હાન્નાહ ઉઠી. હવે એલી યાજક યહોવાહના મંદિરની બારસાખ પાસે પોતાના આસન પર બેઠેલો હતો.

10 અને તેણીનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાહની વિનંતી કરીને બહુ રડી.

11 અને માનતા લઈને તેણે કહ્યું, હે સૈન્યના યહોવાહ, જો તું નિશ્ચય તારી દાસીના દુઃખ સામું જોઇશ, ને મન સંભારીશ, ને તારી દાસીને વીસરીશ નહિ, પણ તારી દીકરો આપીશ, તો હું તેને તેના આયુષ્યના સર્વ દિવસોભર યહોવાહને આપીશ, ને અસ્ત્રો તેના માથા પર કદી આવશે નહિ.

12 અને એમ થયું કે, યહોવાહ આગળ તે પ્રાર્થના કરવામાં રોકાએલી હતી, ત્યારે એલીએ તેના મ્હો તરફ તાકીને જોયું.

13 હવે હાન્નાહ પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ માત્ર હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી; માટે લીને એવું લાગ્યું કે તે પિધેલી છે.

14 અને એલીએ તેને કહ્યું કે, તું ક્યાં સુધી છાકટી રહીશ? તારો દ્રાક્ષરસ તારાથી દૂર કર.

15 અને હાન્નાહે ઉત્તર આપ્યો કે, ના, મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું, દ્રાક્ષરસ કે દારૂ મેં પીધો નથી, પણ યહોવાહ આગળ હું મારો આત્મા રેડતી હતી.

16 તારી દાસીને બલીયઆલપુત્રી તરીકે ગણ મા, કેમકે મારા દુઃખ તથા ક્લેશની પુષ્કળતાથી હું અત્યાર સુધી બોલી છું.

17 ત્યારે એલીએ ઉત્તર આપ્યો કે, શાંતિએ જા, ને જે વિનંતી તે ઇસ્રાએલના દેવની આગળ ગુજારી છે, તે તે સાર્થક કરે.

18 અને તેણીએ કહ્યું, તારી દાસી ઉપર તારી કૃપાદૃષ્ટિ થાઓ. એમ તે સ્ત્રી પોતાને માર્ગે ચાલી ગઇ, ને તેણે ખાધું, ને તેનું મુખ ત્યાર પછી શોકાતુર રહ્યું નહિ.

19 અને મોટે પરોઢીયે ઉઠીને તેઓએ યહોવાહનું ભજન કર્યું, ને પાછાં ફરીને તેઓ રામાહ મધ્યે પોતાને ઘેર આવ્યાં, ને એલ્કાનાહે પોતાની સ્ત્રી હાન્નાહનો અનુભવ કીધો; ને યહોવાહે તેનું સ્મરણ કીધું.

20 અને એમ થયું કે, વખત થયો ત્યારે હાન્નાહને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે શમૂએલ પાડ્યું, કેમકે તેણે કહ્યું મેં એને યહોવાહ પાસેથી માગી લીધો છે.

21 અને તે માણસ એલ્કાનાહ પોતાના આખા ઘર સુદ્ધાં યહોવાહની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચઢાવવા ગયો.

22 પણ હાન્નાહ ગઇ નહિ,કેમકે તેણે પોતાના વરને કહ્યું કે, છોકરાને ધાવણ મુકાવ્યા પછી હું તેને લઇ જઈશ, કે યહોવાહની હજુરમાં તે હાજર થઈને ત્યાં સદા રહે.

23 અને તેના વાર એલ્કાનાહે તેને કહ્યું, તને જે સારૂં લાગે તે કર, તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી રહે;કેવળ યહોવાહ પોતાનું વચન સ્થાપિત કરો. માટે તે સ્ત્રી રહી, ને પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવડાવ્યો.

24 અને તેણીએ તેનું ધાવણ મુકાવ્યા પછી તેને પોતાની સાથે લીધો, ને ત્રણ વર્ષનો ગોધો, ને એક એફાહ આટો, ને એક કુંડી દ્રાક્ષરસ પણ લીધાં, ને શીલોહ મધ્યે યહોવાહના ઘરમાં તેને આણ્યો; ને છોકરો નાનો હતો.

25 અને તેઓએ ગોધો કાપ્યો, ને છોકરાને એલી પાસે આણ્યો.

26 અને તેણીએ કહ્યું, ઓ મારા મુરબ્બી તારા જીવના સમ, જે સ્ત્રી યહોવાહની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઉભી હતી તે હું છું.

27 આ છોકરાં સારૂ હું પ્રાર્થના કરતી હતી; ને યહોવાહ આગળ જે વિનંતી મેં કીધી તે તેણે ફળિભૂત કીધી છે.

28 માટે મેં પણ એને યહોવાહને આપ્યો છે, તે જીવે ત્યાં સુધી યહોવાહને અર્પેલો છે; ને તે ત્યાં યહોવાહનું ભજન કરતાં રહ્યો.