1 અને શાઉલના મરણ પછી એમ થયું કે, દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને સિક્લાગમાં બે દિવસ રહ્યો, ત્યાર પછી,

2 એટલે ત્રીજો દિવસે, એમ થયું કે, જુઓ, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો, તેનાં વસ્ત્રો ફાટેલાં, તથા તેના માથા પર ધૂળ હતી; ને તે દાઉદ પાસે આવ્યો ત્યારે એમ થયું કે, તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કીધા.

3 અને દાઉદે તેને કહ્યું કે, તું ક્યાંથી આવે છે? ને તેણે કહ્યું કે, હું ઇસ્રાએલની છાવણીમાંથી નાસી આવ્યો છું.

4 અને દાઉદે તેને કહ્યું કે, કૃપા કરી મને કહે, ત્યાં કેમ થયું? ને તેણે ઉત્તર આપ્યો કે, લોકો લડાઇમાંથી નાઠા છે, ને ઘણાક લોકો પડીને મરણ પણ પામ્યા છે; ને શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મુઆ છે.

5 અને તેને ખબર આપનાર જુવાન દાઉદને કહ્યું કે, તેં કેમ જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મુઆ છે?

6 ને તેને ખબર કહેનાર જુવાને કહ્યું કે, હું અનાયાસે ગિલ્બોઆ પર્વત ઉપર હતો, ત્યારે, જો, શાઉલ પોતાના ભાલા ઉપર ટેકીને ઉભો હતો; ને જો, રથો તથા સ્વારો તેની પાછળ લાગોલગ લાગેલા હતા.

7 અને તેણે પોતાને પછવાડે નજર કરી, એટલે મને જોઇને હાંક મારી; ને મેં કહ્યું કે, હું આ રહ્યો.

8 અને તેણે મને કહ્યું કે, તું કોણ છે? ત્યારે મેં તેને કહ્યું કે, હું એક અમાલેકી છું.

9 અને તેણે મને કહ્યું કે, કૃપા કરી, મારી પડખે ઉભો રહીને મને મારી નાખ, કેમકે મને ભારે વેદના થાય છે; કેમકે હજી સુધી મારો જીવ મારા ખોળિયામાં સાબુદ છે.

10 માટે મેં તેની પાસે ઉભો રહીને તેને મારી નાખ્યો, કેમકે મેં નિશ્ચે જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનોજ નથી; ને તેના માથા પરનો મુગટ, તથા તેના હાથ પરના કડા લઈને તેમને અહીં મારા ઘણી પાસે લાવ્યો છું.

11 અને દાઉદે પોતાના વસ્ત્ર પકડીને ફાડ્યા; ને તેની સાથે સઘળાં માણસોએ પણ તેમજ કીધું;

12 ને તેઓએ શાઉલને લીધે, તથા તેના દીકરા યોનાથાનને લીધે, તથા યહોવાહના લોકોને લીધે, તથા ઇસ્રાએલના ઘરનાં લીધે શોક તથા વિલાપ કીધો, તથા સાંજ સુધી ઉપવાસ કીધો; કેમકે તેઓ તરવારથી માર્યા ગયા હતા.

13 અને તેને ખબર આપનાર જુવાનને દાઉદે કહ્યું કે, તું ક્યાંનો છે? અને તેણે જવાબ આપ્યો કે, હું એક પર્દેશીનો દીકરો, એટલે અમાલેકી છું.

14 અને દાઉદે તેને કહ્યું કે, યહોવાહના અભિષિક્તને મારી નાખવા સારૂ પોતાનો હાથ લાંબો કરતાં તું કેમ ડર્યો નહિ?

15 ને દાઉદે જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે, પાસે જઈને તેના પર ઘસી પડ; ને તેણે તેને ઠાર માર્યો.

16 અને દાઉદે તેને કહ્યું કે, તારૂં લોહી તારે માથે, કેમકે તારા મુખે તારી વિરુદ્ધ સાક્ષી પુરી છે કે, યહોવાહના અભિષિક્ત મેં મારી નાખ્યો છે.

17 અને દાઉદે શાઉલ તથા તેના દીકરા યોનાથાનને સારૂ નીચે પ્રમાણે શોક કીધો.

18 અને તેણે યહુદાહપુત્રોને ધનુષ્ય ગીત શિખવવાનો તેઓને હુકમ કીધો; જો, તે યાશારના પુસ્તકમાં લખેલું છે.

19 હે ઇસ્રાએલ, તારૂં ગૌરવ તારા પર્વતો પર કતલ થયું છે! યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે!

20 ગાથમાં એ કહેશો મા, આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો મા; રખે પલિસ્તીઓની દીકરીઓ હરખાય, રખે બેસુનતીઓની દીકરીઓ જયજયકાર કરે.

21 હે ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ, કે વરસાદ, કે અર્પણના ખેતરો ન હોય; કેમકે ત્યાં યોદ્ધાઓની ઢાલ, એટલે શાઉલની ઢાલ, જાણે કે તે તૈલાભિષિક્ત ના હોય એવી રીતે અશુદ્ધ કરાઈ.

22 માર્યા જનારાઓનું લોહી વહેવડાવવાથી, બળવંતોનો મેદ વિંધવાથી યોનાથાનનું ધનુષ્ય પાછું પડતું નહિ; ને શાઉલની તરવાર ખાલી પછી ફરતી નહિ.

23 શાઉલ તથા યોનાથાન જીવતાં પ્રિય તથા ખુશકારક હતા, ને તેઓના મૃત્યુકાલે તેઓ જુદા ન પડ્યા. તેઓ ગરૂડ કરતાં જલદ હતા; તેઓ સિંહો કરતાં બળવંત હતા.

24 અરે ઇસ્રાએલની દીકરીઓ, શાઉલને સારૂ વિલાપ કરો, કે જેણે તમને કીર્મજી વર્સ્ત્રો પહેરાવીને મોજ કરાવી, જેણે કાંચનાભૂષણોથી તમારા વસ્ત્રો શણગાર્યા.

25 કેવી રીતે યોદ્ધાઓ માર્યા ગયા છે! હે યોનાથાન, તું તારા પર્વતો પર કતલ કરાયો છે.

26 હે મારા બંધવ યોનાથાન, તારે લીધે મને ખેદ થાય છે; તું મને બહુ પ્રિય હતો; મારા પર તારો પ્યાર આશ્ચર્યકારક હતો, સ્ત્રીઓના પ્યારથી વિશેષ હતો.

27 યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે! ને યુદ્ધશસ્ત્રોનો કેવો વિનાશ થયો છે!