1 અને યહોવાહે નાથાનને દાઉદ પાસે મોકલ્યો. અને તેણે તેની પાસે આવીને તેને કહ્યું કે, એક નગરમાં બે માણસ હતા; એક દ્રવ્યવાન, ને બીજો દરિદ્રી.

2 દ્રવ્યવાન માણસને પુષ્કળ ઘેટાં તથા ઢોર હતાં;

3 પણ દરિદ્રીને એક નાની ઘેટી શિવાય બીજું કંઈ નહોતું; તેણે તે વેચાતી લઇને પાળી હતી, ને તે તેની સાથે ને તેનાં છોકરાં સાથે ઉછરી હતી; ને તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, ને તેના પોતાના પ્યાલાંમાંથી તે પીતી હતી, ને તેની ગોદમાં તે સુતી હતી, ને તે તેને દીકરી જેવી ગણતો હતો.

4 અને તે દ્રવ્યવાન માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો, ને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને સારૂ રાંધવા માટે તેણે પોતાના ઘેટાં તથા ઢોરમાંથી કંઈ લીધું નહિ, પણ પેલા દરિદ્રી માણસની ઘેટી લીધી, ને તેને ત્યાં આવેલા માણસને સારૂ તે રાંધી.

5 અને તે માણસ ઉપર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો; ને તેણે નાથાનને કહ્યું કે, જીવતા યહોવાહના સમ, જે માણસ એ કૃત્ય કર્યું છે, તે માણસ મરણ યોગ્ય છે;

6 ને તેને ઘેટીને બદલે ચોગણું પાછું આપવું પડશે, કેમકે તેણે એવું કૃત્ય કીધું, ને તેને કંઈ દયા આવી નહિ.

7 અને નાથાને દાઉદને કહ્યું કે, તુંજ તે માણસ છે; ઇસ્રાએલનો દેવ યહોવાહ એમ કહે છે કે, મેં તને ઇસ્રાએલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, ને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો;

8 ને મેં તારા ઘણીનું ઘર તને આપ્યું, ને તારા ઘણીનો પત્નીઓ તને ગોદમાં આપી, ને તને ઇસ્રાએલનું તથા યહુદાહનું ઘર આપ્યું; ને એ જો કાંતિ પડત તો હું તને ફલાણાં ફલાણાં વાનાં પણ આપત.

9 તે શા માટે યહોવાહનું વચન તુચ્છ કરીને તેની દૃષ્ટિમાં ભુંડું કર્યું છે? ઉરીયાહ હિત્તીને તે તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે.

10 તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમકે તેં મને તુચ્છ કીધો છે, મેં ઉરીયાહ હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે.

11 યહોવાહ એમ કહે છે કે,જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ ખલેલ ઉભું કરીશ, ને તારી નજર આગળ તારા સ્ત્રીઓને લઈને તારા પડોસીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે.

12 કેમકે તે એ ગુપ્તમાં કર્યું, પણ હું આ કાર્ય સર્વ ઇસ્રાએલના દેખતાં, તથા સૂર્યના દેખતાં કરીશ.

13 અને દાઉદે નાથાનને કહ્યું કે, મેં યહોવાહની વિરુદ્ધ પાપ કીધું છે; ને નાથાને દાઉદને કહ્યું કે, યહોવાહે પણ તારૂં પાપ દૂર કીધું છે; તું મરીશ નહિ.

14 તો પણ આ કૃત્યથી તે યહોવાહના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દીકરો તારે ત્યાં જન્મશે, તે નિશ્ચે મારી જશે.

15 અને નાથાન પોતાને ઘેર ગયો. અને દાઉદનું જે બાળક ઉરીયાહની સ્ત્રીને પેટે થયું, તેને યહોવાહે મરજ લાગુ કીધો, ને તે બહુ માંદુ થયું.

16 માટે દાઉદે તે બાળકને સારૂ દેવની આગળ કાલાવાલા કર્યા; ને દાઉદે ઉપવાસ કીધો, ને અંદર જઈને આખી રાત ભોંય ઉપર તે પડી રહ્યો.

17 અને તેને જમીન પરથી ઉઠાડવા સારૂ તેના ઘરનાં વડીલો ઉઠીને તેની પાસે ઉભા રહ્યા; પણ તે ઉઠ્યો નહિ, તેમ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહિ,

18 અને સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. અને બાળક મારી ગયું છે, એ ખબર તેને કેહેતાં દાઉદના ચાકરો બીધા; કેમકે તેઓએ કહ્યું કે, જો, બાળક જીવતું છતાં અમે તેની સાથે બોલતા તો તે અમારૂં કહેવું સાંભળતો નહિ; ત્યારે જો અમે તેને કહીએ કે, બાળક મારી ગયું છે, તો તે કેટલો દુઃખી થશે!

19 પણ દાઉદે જોયું કે તેના ચાકરો એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મારી ગયું છે; ને દાઉદે પોતાના ચાકરોને કહ્યું કે, શું બાળક મારી ગયું? ને તેઓએ કહ્યું કે, તે મરી ગયું છે.

20 ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો, ને સ્નાન કરીને પોતાને અંગે અત્તર ચોળ્યું, ને પોતાના વસ્ત્રો બદલ્યા; ને યહોવાહના ઘરમાં જઈને તેણે ભજન કર્યું; પછી તે પોતાને ઘેર આવ્યો; ને તેણે માગ્યું ત્યારે તેઓએ તેની આગળ અન્ન પિરસ્યું, ને તેણે ખાધું.

21 ત્યારે તેના ચાકરોએ તેને કહ્યું કે, તેં એમ કેમ કર્યું? બાળકના જીવતા તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો; પણ બાળક મુઆ પછી તેં ઉઠીને અન્ન ખાધું.

22 અને તેણેકહ્યું, બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો; કેમકે મેં કહ્યું કે, કોણ જાણે છે કે, યહોવાહ મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહિ રાખે?

23 પણ હવે તે મરણ પામ્યું છે, તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછો લાવી શકું? હું તેની પાસે જઈશ, પણ તે મારી પાસે નહિજ આવશે.

24 ને તેનું નામ તેણે સુલૈમાન પાડ્યું, ને તેના પર યહોવાહની પ્રીતિ હતી;

25 ને તેણે નાથાન ભવિષ્યવાદીની મારફતે સંદેશ મોકલીને યહોવાહની ખાતર તેનું નામ યદીદયાહ પાડ્યું.

26 હવે યોઆબે આમ્મોનપુત્રોના રાબ્બાહ ઉપર હલ્લો કરીને રાજધાનીનું નગર સર કર્યું.

27 અને યોઆબે દાઉદ પાસે હલકારો મોકલીને કહાવ્યું કે, મેં રાબ્બાહ ઉપર હલ્લો કીધો છે, હા, મેં પાણીનું નગર લીધું છે.

28 તો હવે બાકીના લોકને એકઠાં કર, ને નગરની સામે છાવણી કરીને તેને સર કર; નહિ તો એ નગર હું લઇ લઇશ, ને તે મારા નામથી ઓળખાશે.

29 અને દાઉદ સર્વ લોકોને એકઠા કરીને રાબાહ ગયો, ને તેના પર હલ્લો કરીને તેને સર કર્યું.

30 અને તેણે તેઓના રાજાનો મુગટ તેને માથેથી ઉતારી લીધો; ને તે વજનમાં એક તાલંત સોનાનો હતો; ને મૂલ્યવાન રાતનો તેમાં જડેલાં હતાં, ને તે દાઉદને માથે પહેરાવ્યો; ને તે નગરની પુષ્કળ લૂટ તે બહાર લાવ્યો.

31 અને તેમાંના લોકોને બહાર લાવીને તેણે તેઓના પર કરવતો તથા લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ ચલાવી, ને તેઓને ઈંટની ભઠ્ઠીઓમાં થઈને ચલાવ્યા; ને એજ પ્રમાણે તેણે આમ્મોનપુત્રોના સઘળાં નગરોને કર્યું. અને દાઉદ તથા સર્વ લોક યારૂશાલેમ પાછા આવ્યા.