1 અને બચી ગયા પછી અમે જાણ્યું કે તે બેટનું નામ મેલીટા હતું.
2 અને દેશી લોકોએ અમારા પર અસાધારણ ઉપકાર કીધો, કેમકે તે વખતે વરસાદ વરસતો હતો તથા ટાઢ પડતી હતી તે માટે અગ્નિ સળગાવીને તેઓએ અમ સર્વનો આવકાર કીધો.
3 અને પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે તાપને લીધે એક સર્પ નીકળીને તેને હાથે વળગ્યો.
4 અને દેશી લોકોએ તે એરૂ તેના હાથ પર લટકતું જોઇને એક બીજાને કહ્યું કે, ખચિત આ માણસ ખુની છે, કેમકે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા નથી દેતો.
5 પણ તેણે તે એરૂ અગ્નિમાં ઝટકી નાખ્યો, ને તેને કંઈ ઈજા થઇ નહિ.
6 પણ તેઓ ધારતા હતા કે, તે હમણાં સુજી જશે, અથવા એકએક પડીને મારી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કાંઈ નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
7 હવે તે બેટના પબ્લિયસ નામના મુખ્ય માણસની જાગીર તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રચારીથી અમારી પરોણાગત કરી.
8 અને એમ થયું કે પબ્લિયસનો બાપ તાવે તથા મરડાએ માંદો પડેલો હતો, તેની પાસે પાઉલ અંદર ગયો, ને તેણે પ્રાર્થના કરી, ને તેના પર પોતાના હાથ મુકીને તેને સાજો કીધો.
9 અને તે થયા પછી બેટમાંના બાકીના રોગીઓ પણ આવીને સાજા કરાયા.
10 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અને અમે સફરે નીકળ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મુકી.
11 અને ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે બેટમાં રહ્યું હતું, જની નિશાની દીઓસફુરી [અશ્વિનીકુમાર] હતી, તેમાં બેસીને અમે નીકળ્યા.
12 અને અમે સુરાકુસમાં બંદર કરીને ત્યાં ત્રણ દિવસ રહ્યા.
13 અને ત્યાંથી અમે ફેરો ખાઈને રેગીઅમ આવ્યા, ને એક દિવસ પછી દક્ષિણનો પવન વાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતીઓલી આવ્યા.
14 ત્યાં અમને ભાઈઓ મળ્યા, ને તેઓની સાથે સાત દિવસ રહેવાને તેઓએ અમને વિનંતી કીધી; ને આ પ્રમાણે અમે રૂમ આવી પહોંચ્યા.
15 અને ભાઈઓ અમારાં વિષે સાંભળીને ત્યાંથી આપીફોરમ તથા ત્રણ ધર્મશાળા લગી અમારી સામા મળવા આવ્યા; અને પાઉંલે તેઓને જોઇને દેવની સ્તુતી કીધી, ને હિમ્મત પકડી.
16 અને અમે રૂમમાં આવ્યા, ત્યારે [[સુબેદારે બંદીવાનોને ચોકીના સરદારને સ્વાધીન કીધા, પણ]] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જૂદા રહેવાની રજા મળી.
17 અને ત્રણ દિવસ પછી એમ થયું કે, [પાઉલે] યહુદીઓના મુખ્ય માણસોની એકઠા બોઉલટું મેં કંઈ કર્યું નથી, તોપણ યરૂશાલેમથી રૂમીઓના હાથમાં મને બંદીવાન તરીકે સોંપ્યો છે.લાવ્યા, ને તેઓ એકઠા થયા ત્યારે તેઓને કહ્યું કે, ભાઈઓ, જોકે લોકોને ઉલટું, અથવા આપણા પૂર્વજોના રિવાજોથી
18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમકે મને મોતની શિક્ષા થાય એવું કંઈ કારણ ન હતું.
19 પણ યહુદીઓએ વાંધો ઉઠાવ્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને અગત્ય પડી; મારે પોતાના સ્વદેશીઓ પર કંઈ દોષ મુકવાનો હતો એમ તો નહિ.
20 એજ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં તમને વિનંતી કીધી, કેમકે ઇસ્રાએલની આશાને લીધે હું આ સાંકળથી બંધાએલો છું.
21 ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહુદાહમાંથી અમને કંઈ પત્રો મળ્યા નથી, તેમજ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ભુંડું જાહેર કર્યું અથવા કહ્યું નથી.
22 પણ તું શું માને છે તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીને છીએ, કેમકે લોકો સર્વ જગ્યાએ આ પંથની વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ.
23 અને તેઓએ તેને સારું એક દિવસ ઠરાવીને તે દિવસે જથ્થાબંધ તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને તેણે પ્રમાણે આપીને દેવના રાજ્ય વિષેની શાહેદી આપી, ને મુસાના નિયમશાસ્ત્ર તથા ભવિષ્યવાદીઓ ઉપરથી ઇસુ વિષે વાત સવારથી સાંજ સુધી તેઓને સમજાવી.
24 અને જે વાતો કહેવામાં આવી તે કેટલાએકે માની, ને કેટલાએકે માની નહિ.
25 અને તેઓ માહોમાંહે એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં પાઉલે ઈક વાત કહી કે, પવિત્ર આત્માએ યશાયાહ ભવિષ્યવાદીની મારફતે તમારા પૂર્વજોને ઠીક કહ્યું કે,
26 તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળતાં સાંભળશો પણ સમજશો નહિ, ને જોતાં જોશો પણ સુઝશે નહિ.
27 કેમકે એ લોકોનાં મન જડ થઇ ગયાં છે, ને તેઓના કાનો બહેર મારી ગયા છે, ને તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખે કદાપી તેઓને આંખે સુઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે, ને હું તેઓને સાજા કરું.
28 એ માટે જાણજો કે, દેવનું આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે, ને તેઓ તો સંભાળશે.
29 [[અને તેણે એ વાતો કહી રહ્યા પછી યહુદીઓ માહોમાંહે ઘણો વિવાદ કરતા કરતા ચાલ્યા ગયા]]
30 અને [પાઉલ] પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો, ને જેઓ તેને ત્યાં આવતા તે સર્વના તે આવકાર કરતો.
31 અને તે પુરી હિમ્મતથી તથા વગર અટકાવે દેવના રાજ્ય વિષે ઉપદેશ કરતો, તથા પભી ઇસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરતો હતો.