1 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

2 “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!

3 હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી ! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!

4 તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

5 પૃથ્વી તળે તથા પાણીમાં તે મરેલાઓના આત્મા ભયથી ૂજે છે.

6 દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

7 દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

8 એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.

9 દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

10 દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.

11 જ્યારે દેવ તેઓને ડરાવે છે, આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.

12 દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનોનાશ કર્યો છે.

13 એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.

14 આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”