1 ત્યારે અયૂબે જવાબ આપ્યો:

2 “હા, હું જાણું છું કે તું સાચું બોલે છે. પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે?

3 જો દેવ તેની સાથે દલીલ કરે, તો દેવના 1,000 પ્રશ્ર્નોમાંથી શું ઓછામાંઓછો એકનો જવાબ તે આપી શકશે?

4 તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.

5 તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી.

6 દેવ પૃથ્વીને હલાવવા ધરતીકંપો મોકલે છે. દેવ પૃથ્વીના પાયાઓ હલાવી નાખે છે.

7 જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ, અને એ તારાઓને ગોંધી શકે છે જેથી તેઓ ઝગમગી શકે નહિ.

8 તેણે એકલે હાથે આકાશને પાથર્યુ છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે.

9 તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે. તેણે દક્ષિણી આકાશના નક્ષત્રો ર્સજ્યા છે.

10 દેવ અદભુત કાર્યો કરે છે જે લોકો સમજી શકતા નથી. અને કોઇ ગણી ન શકે તેનાથી વધારે ચમત્કારી કાર્યોનો કર્તા છે.

11 તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી. તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઇ શકતો નથી.

12 તે જો ઓચિંતાના આવે અને તેમને જે કઇં જોઇતું હોય તે ઝડપમારી પડાવી લે તો તેમને કોણ રોકી શકે? તેને કોણ પૂછી શકે, ‘તમે આ શું કરો છો?’

13 ઈશ્વર તેમનો ગુસ્સો રોકશે નહિ રહાબનાં મદદગારો પણ દેવથી ડરે છે. માણસનો ગર્વ તેની સામે ઓગળી જાય છે.

14 તો પછી માત્ર મારા જેવા કઇ દલીલોને બળે એની સામે ઊભા રહી શકે?

15 નિદોર્ષ હોવા છતાં હું તેમને જવાબ આપી શકતો નથી મારા ન્યાયાધીશ પાસે દયાની ભીખ માંગું એટલું જ હું કરી શકું.

16 હું જો એની સામે ફરિયાદ કરું અને તે જવાબ આપે તો. મને ખાત્રી છે તે મારું સાંભળશે નહિ.

17 તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.

18 તે મને શ્વાસ લેવા દેશે નહિ, પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરી દેશે.

19 હું દેવને હરાવી શકીશ નહિ, તે ખુબજ શકિતશાળી છે. હું દેવને ન્યાયાલયમાં લઇ જઇને મારી તરફ નિષ્પક્ષ રહેવાનો આગ્રહ કરી શકીશ નહિ.

20 હું નિદોર્ષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું, હું નિદોર્ષ છું પણ જ્યારે હું બોલુ છુ, મારુ મોઢુ મને અપરાધી સાબિત કરે છે.

21 હું નિદોર્ષ છુઁ, પણ શું વિચાર કરવો તે હું જાણતો નથી. હું મારા પોતાના જીવનને ધિક્કારું છું.

22 ‘માણસ કદાચ ભલે વાંક વગરનો કે અનિષ્ટ હોય પરંતુ દરેકને સરખીજ વસ્તુ થાય છે. તે બધાનો નાશ કરે છે.’

23 જ્યારે કોઇ ભયંકર બાબત બની જાય અને એક નિદોર્ષ માણસને મારી નાખવામાં આવે તો શું દેવ તેના પર હસશે?

24 જ્યારે દુષ્ટ માણસ એક પ્રદેશને કબ્જામાં લઇ લે છે, તો તે ન્યાયાધીશોને શું થઇ રહ્યુંં છે તે જોવા માટે રોકે છે? એ જો સાચું હોય તો પછી દેવ કોણ છે?

25 મારા દિવસો એક દોડવીર કરતા પણ વધારે ઝડપથી પસાર થઇ જાય છે. મારા દિવસો પસાર થઇ રહ્યા છે અને તેમા કોઇ આનંદ નથી.

26 ઝડપથી પસાર થતા વહાણની જેમ અંતે પોતાના શિકાર પર તૂટી પડતા ગરૂડની જેમ મારા દિવસો ચાલ્યાં જાય છે.

27 જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઇશ. અને ખુશ થઇને દેવ સામે ફરિયાદ ન કરવાનો નિર્ણય કરું.’

28 વાસ્તવમાં કશું બદલાતું નથી. વ્યથા હજી પણ મને ડરાવે છે. હું જાણું છું કે તમે મને નિદોર્ષ નહિ ગણો.

29 હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું. તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?

30 જો હિમથી હું મારું શરીર ધોઉં અને સાબુથી મારા હાથ ચોખ્ખાં કરું.

31 તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે.

32 હું મારો પોતાનો બચાવ કરી શકતો નથી કારણકે તમે મારા જેવા માણસ નથી. આપણે એક બીજાને ન્યાયાલયમાં મળી શકીએ તેમ નથી. તમે માણસ હોત તો આપણે સારી રીતે વાદ-વિવાદ કરી શક્યાં હોત.

33 મારી ઇચ્છા છે, કોઇ આડતિયો હોત કે જે બંને પક્ષને સાંભળી શકે. હું ઇચ્છું છું એવું કોઇ હોત જે આપણ બંનેનો ન્યાય કરી શક્યો હોત.

34 હું ઇચ્છું છુઁ, દેવનો શિક્ષા દંડ મારા પરથી લઇલે એવું કોઇ હોત, તો પછી દેવ મને ક્યારેય ડરાવશે નહિ.

35 તો હું દેવનો ડર રાખ્યા વગર તેને મોઢામોઢ કહી દઇશ. પણ હમણાં હું એમ કરી શકું તેમ નથી.