1 હવે ઈશ્વરનું એવું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું,

2 "ઊઠ મોટા નગર નીનવે જા, ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમકે તેઓની દુષ્ટતા મારી આગળ ઉપર આવી છે."

3 પણ યૂના ઈશ્વરની હજૂરમાંથી તાર્શીશ નાસી જવાને ઊઠયો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારુ એક વહાણ મળ્યું; તેણે તેનું ભાડું આપ્યું, ને ઈશ્વરની હજૂરમાંથી દૂર જવાને તે તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.

4 પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું, ને સમુદ્રમાં મોટું તોફાન થયું, ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું.

5 ત્યારે ખલાસીઓ બીધા, ને તેઓ પોતપોતાના દેવને પોકારવા લાગ્યા; અને તેઓએ પોતાનું વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં ફેંકી દીધો. પણ યૂના વહાણના સૌથી અંદરના ભાગમાં ઊતરી જઈને સૂઈ ગયો હતો, ને ભરનિદ્રામાં પડયો હતો.

6 માટે આગેવાને તેની પાસે આવીને તેને કહ્યું, "શું તું ઊંઘ્યા કરે છે? ઊઠ! તારા દેવને વિનંતી કર! કદાચ તારો દેવ આપણે વિષે વિચાર કરે, ને આપણો નાશ ન થાય."

7 તે સઘળાંએ એકબીજાને કહ્યું, "ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને કારણે આપણા પર આ દુઃખ આવ્યું છે તે આપણે જાણીએ." તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ને ચિઠ્ઠી યૂનાના નામની નીકળી.

8 ત્યારે તેઓએ તેને કહ્યું કે, કૃપા કરીને અમને કહે, કે કોણે લીધે આ વિઘ્ન આપણા પર આવ્યું છે; તારો ધંધો શો છે? ને તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? ને તું ક્યાં લોકોમાંનો છે?

9 ને તેણે તેઓને કહ્યું કે, હું હેબ્રી છું; ને સમુદ્ર તથા કોરી ભૂમિના કર્તા સૈન્યોના દેવ યહોવાહનો ડર રાખનાર હું છું.

10 ત્યારે તે માણસો અતિશય ગભરાયા, ને તેઓએ તેને કહ્યું, તેં આ શું કર્યું છે? કેમકે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે યહોવાહની હજુરમાંથી નાસી જાય છે.

11 પછી તેઓએ તેને કહ્યું, અમે તને શું કરીએ કે સમુદ્ર અમારે માટે શાંત થાય? કેમકે સમુદ્ર વઘારે ને વધારે તોફાની થતો જતો હતો.

12 અને તેને તેઓને કહ્યું, મને ઉંચકીને સમુદ્રમાં ફેંકી ડો એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે; કેમકે હું જાણું છું કે મારે લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે.

13 પરંતુ કિનારે પાછા જવાને તે માણસોએ બહુજ હલ્લેસાં માર્યા, પણ તેઓ જઈ શક્યા નહિ; કેમકે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો.

14 એ માટે તેઓએ યહોવાહને બૂમ પાડીને કહ્યું કે, એવી કૃપા કર, હે યહોવાહ, એવી કૃપા કર કે, આ માણસનો જીવનો સામે અમારો નાશ ન થાય, ને મારે શિર નિર્દોષ રક્તનો દોષ મૂકીશ નહિ; કેમકે, હે યહોવાહ, જેમ તને સારૂ લાગ્યું તેમ તે કર્યું છે.

15 એમ તેઓએ યૂનાને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધો; ને સમુદ્ર ઉછળતો બંધ પડ્યો.

16 ત્યારે તે માણસોને યહોવાહનો અતિશય દર લાગ્યો; ને તેઓએ યહોવાહને યજ્ઞ ચઢાવ્યો, ને માનતા લીધી

17 અને યહોવાહે એક મોટી માછલી યૂનાને ગલી જવા સારૂ તૈયાર કીધી; અને યૂના ત્રણ દિવસ ને ત્રણ રાત માછલીના પેટમાં રહ્યા.