2 અને મિદ્યાનનો હાથ ઇસ્રાએલ વિરુદ્ધ પ્રબળ થયો; ને મિદ્યાનીઓના કારણથી ઇસ્રાએલપુત્રોએ પર્વતોમાં જે કોતરો, તથા ગુફાઓ, તથા ગઢો છે, તે પોતાને સારૂ બનાવ્યાં.

3 અને જયારે ઇસ્રાએલીઓ વાવણી કરતા, ત્યારે એમ થતું કે, મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો ચઢી આવતા; એટલે તેઓની સામે ચઢી આવતા;

4 ને તેઓ તેઓની સામે છાવણી કરીને ઠેઠ ગાઝઝાહ સુધી જમીનની ઉપજનો નાશ કરતા, ને ઘેટાં, બળદ, કે ગધેડાંરૂપી કંઈ પણ ઉપજીવિકા ઇસ્રાએલમાં રહેવા દેતાં નહિ.

5 કેમકે તેઓ પોતાનાં ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા, ને તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા; તેઓ તથા તેઓનાં ઉંટો અગણિત હતાં; ને દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં.

6 અને મિદ્યાનીઓના કારણથી ઇસ્રાએલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા; ને ઇસ્રાએલપુત્રોએ યહોવાહ આગળ પોકાર કીધો.

7 અને ઇસ્રાએલપુત્રોએ મિદ્યાનીઓના કારણથી યહોવાહ આગળ પોકાર કીધો, ત્યારે એમ થયું કે,

8 યહોવાહે ઇસ્રાએલપુત્રોની પાસે એક ભવિષ્યવાદી મોકલ્યો; ને તેણે તેઓને કહ્યું, ઇસ્રાએલનો દેવ યહોવાહ એમ કહે છે કે, હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો, ને બંદીખાનામાંથી તમને બહાર લાવ્યો;

9 ને મિસરીઓના હાથમાંથી, તથા તમારા પર સર્વ જુલમ કરનારાઓના હાથમાંથી મેં તમને છોડાવ્યા ને તમારી સામેથી તેઓને હાંકી કાઢ્યા, ને તેઓનો દેશ તમને આપ્યો;

10 ને મેં તમને કહ્યું કે, હું તમારો દેવ યહોવાહ છું; જે અમોરીઓના દેશમાં તમે રહો છો, તેઓના દેવોથી તમે ન બીહો; પણ તમે મારી વાણી સાંભળી નથી.

11 આને યહોવાહનો દૂત આવ્યો, ને અબીએઝરી યોઆશનું આલોન વૃક્ષ જે ઓફ્રાહમાં હતું તેની તળે બેઠો; ને તેનો દીકરો ગિદઓન મીદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષકુંડની અંદર ઘઉં ઝુડતો હતો.

12 અને યહોવાહના દૂતે તેને દર્શન દીધું, ને તેને કહ્યું, પરાક્રમી શૂરવીર, યહોવાહ તારી સાથે છે.

13 અને ગિદઓને તેને કહ્યું, મારા ઘણી, જો યહોવાહ અમારી સાથે હોય, તો આ સઘળું કેમ અમારે માથે આવી પડ્યું છે? અને યહોવાહ અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યો શું, એવું કહીને અમારો પિતૃઓ જે સર્વ ચમત્કારો વિષે અમને કહેતાં હતા તે ક્યાં છે? પણ યહોવાહે અમને તો તજી દીધો છે, ને અમને મિદ્યાનીઓની હાથમાં સોંપી દીધા છે.

14 અને યહોવાહે તેના પર દૃષ્ટી કરીને કહ્યું, આ તારા બળમાં જા, ને મિદ્યાનીઓના હાથમાંથી ઇસ્રાએલીઓને બચાવ; મેં તને મોકલ્યો નથી શું?

15 ને તેણે તેને કહ્યું, હે પ્રભુ, ઇસ્રાએલને હું શા વડે બચાવું? જો, મનાશ્શેહમાં મારૂં કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.

16 અને યહોવાહે તેને કહ્યું, નિશ્ચય હું તારી સાથે હોઈશ, ને તું એક માણસમેં મારે તેમ મિદ્યાનીઓને મારશે.

17 અને તેણે તેને કહ્યું કે, જો હું હવે તારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તુંજ મારી સાથે વાત કરે છે તેનું મને ચિન્હ દેખાડ.

18 હું તારી પાસે આવું ને અર્પણ લઈને તારી આગળ મુકું, ત્યાં સુધી કૃપા કરીને હ્યાંથી જઈશ નહિ. અને તેણે કહ્યું, તું પાછો આવશે ત્યાં સુધી હું હ્યાં થોભીશ.

19 અને ગિદઓને ઘરમાં જઈને એક હલવાન, તથા એક એફાહ લોટની બેખમીરી રોટલી તૈયાર કરી; ને ટોપલીમાં માંસ લઈને, તથા એક વાટકામાં શેરવો લઈને, સીમમાં આલોન વૃક્ષની તળે તેની પાસે તે લાવીને તેણે અર્પણ કર્યું.

20 સને દેવના દૂતે તેને કહ્યું, એ માંસ તથા બેખમીર રોટલી લઈને આ ખડક ઉપર મુક, ને શેરવો રેડી દે; ને તેણે તેમ કર્યું.

21 ત્યારે યહોવાહના દૂતે પોતાના હાથમાંથી છડીનો છેડો લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડ્યો; ને ખડકમાંથી અગ્નિ નિકળ્યો, ને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કીધા; ને યહોવાહના દૂત તેની દૃષ્ટી આગળથી લોપ થયો.

22 અને ગિદઓને જોયું કે, તે યહોવાહનો દૂત હતો; ત્યારે ગિદઓને કહ્યું, હે પ્રભુ યહોવાહ, મને અફસોસ, કેમકે મેં મ્હોડેમ્હોડ યહોવાહના દૂતને દીઠો છે.

23 અને યહોવાહે તેને કહ્યું, તને શાંતિ થાઓ; બી મા, તું મરશે નહિ.

24 ત્યારે ત્યાં ગિદઓને યહોવાને સારૂ એક વેદી બાંધી, ને તેનું નામ યહોવાહ-શાલોમ પાડ્યું; તે હજી આજ સુધી અબીએઝરીઓના એફ્રાહમાં છે.

25 અને તેજ રાત્રે એમ થયું કે, યહોવાહે તેને કહ્યું, તારા બાપનો બળદ, ને સાત વર્ષનો બીજો બળદ લે, તે બઆલનીજે યજ્ઞવેદી તારા બાપની છે, તે તોડી પાડ; ને તેની પાસેની અશેરાહ [મૂર્તિ] કાપી નાખ;

26 ને આ ગઢના શિખર પર, ઠરાવેલી રીત પ્રમાણે, યહોવાહ તારા દેવને સારૂ યજ્ઞવેદી બાંધ, ને જે અશેરાહ [મૂર્તિ] તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો બળદ લઈને, તેનું દહનીયાર્પણ કર.

27 ત્યારે ગિદઓને પોતાના દાસોમાંના દસ જણને લઈને, જેમ યહોવાહે તેને કહ્યું હતું તેમ કર્યું; ને એમ થયું કે, તે પોતાના બાપના ઘરનાંથી તથા નગરના લોકોથી બીધો, એ માટે દિવસે તેમ ન કરી શક્યો,, તેથી રાત્રે તેણે તેમ કર્યું.

28 અને નગરના માણસ મોટી સવારે ઉઠયાં ત્યારે, જુઓ, બઆલની યજ્ઞવેદી તોડી પડી હતી, ને તેની પાસેની અશેરાહ [મૂર્તિ] કાપી નાખેલી હતી, ને બાંધેલી યજ્ઞવેદી પર પેલા બીજા બળદનો યજ્ઞ પર કરેલો હતો.

29 અને તેઓએ એક બીજાને કહ્યું, એ કામ કોણે કર્યું છે? ને પૂછપરછ કરીને તેઓએ કહ્યું, યોઆશના દીકરા ગિદઓને તે કીધું છે.

30 ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, તારા દીકરાને બહાર કાઢ, કે તે માર્યો જાય; કેમકે તેણે બઆલની યજ્ઞવેદી તોડી પાડી છે, ને તેની પાસેની અશેરાહ [મૂર્તિ] કાપી નાખી છે.

31 અને યોઆશે તેની સામે ઉભા રહેલા સર્વ લોકોને કહ્યું, શું તમે બઆલના પક્ષમાં વિવાદ કરશો? અથવા શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે આ સવાર વિત્યા પહેલાં માર્યો જાય; તે જો દેવ હોય તો તે પોતે પોતાને સારૂ વિવાદ કરે, કેમકે કોઇએકે તેની વેદી ભાગી નાખી છે.

32 તે માટે તે દિવસે તેણે તે [દીકરા]નું નામ યરૂબ્બઆલ પાડીને કહ્યું, બઆલ તેની સામે વિરોધ કરો, કેમકે તેણે તેની વેદી તોડી પાડી છે.

33 ત્યારે સર્વ મીદ્યાનીઓ, તથા અમાલેકીઓ, તથા પૂર્વ તરફના લોકો એકઠા થયા; ને પેલે પાર જઈને યિઝૂએલની ખીણમાં જઈને છાવણી કરી.

34 પણ યહોવાહનો આત્મા ગિદઓન પર આવ્યો; ને તેણે એક રણશિગડું વગાડ્યું; ને અબીએઝેર [ના માણસો] તેની પાછળ એકઠા થયા.

35 અને તેણે મનાશ્શેહમાં સર્વત્ર સંદેશીઆ મોકલ્યા; અને તેઓ પણ તેની પાછળ એકઠા થયા; ને તેણે આશેરમાં, તથા ઝબુલૂનમાં, તથા નાફતાલીમાં સંદેશીઆ મોકલ્યા; ને તેઓ તેઓને મળવા સામા ગયા.

36 અને ગિદઓને દેવને કહ્યું, જો તું, તારા કેહવા મુજબ, મારે હાથે ઇસ્રાએલને ઉગારવાનો હોય,

37 તો, જો, હું ખળીમાં એક ઘેટાંનો ઉન મુકીશ; ને જો એકલા ઉન પર ઝાકળ પડે ને સર્વ ભૂમિ સુકી રહે, તો હું જાણીશ કે તું, તારા કેહવા મુજબ, મારે હાથે ઇસ્રાએલને ઉગારશે.

38 અને તેમજ થયું, કેમકે બીજે દહાડે મોટી સવારે તે ઉઠ્યો, ને ઉન દબાવ્યું, ત્યારે ઉનમાંથી નિચોવતાં ઝાકળનું પાણી એક વાટકો ભરીને નિકળ્યું.

39 અને ગિદઓને દેવને કહ્યું, તારો કોપ મારા પર ન સળગે, ને હું માત્ર આ વખતજ બોલીશ, કૃપા કરીને આ એકજ વખત મને ઉનથી સાબિતી કરવા દે; હવે એકલું ઉન કોરૂ રહે, ને સર્વ ભૂમિ પર ઝાકળ પડે.

40 અને દેવે તે રાત્રે તેમ કર્યું; કેમકે એકલું ઉન કોરૂં હતું, ને સર્વ ભૂમિ પર ઝાકળ હતું.