1 અને ફરીશીઓ તથા કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવીને તેની પાસે એકઠા થાય છે;
2 ને તેના કેટલાએક શિષ્યોને અશુદ્ધ, એટલે અણઘોએલા, હાથે રોટલી ખાતાં તેઓએ જોયાં.
3 કેમકે ફરોશીઓ તથા બધા યહુદીઓ વડીલોના સંપ્રદાય પાળીને સારી પેઠે હાથ ધોયા વિના ખાતાં નથી.
4 અને ચૌટેથી આવીને ન્હાયા વિના તેઓ ખાતા નથી; ને વાટકા તથા ગાગરો તથા ત્રાંબાના વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદી ઘણી બીજી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
5 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને પુછે છે કે, તારા શિષ્યો વડીલોના સંપ્રદાય ન ચાલતાં અણધોએલે હાથે રોટલી કેમ ખાય છે?
6 ને તેણે તેઓને કહ્યું કે, તમ ઢોંગીઓ સંબંધી યશાયાહે ઠીક ભવિષ્યવાત કહી, જેમ લખ્યું છે કે, આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.
7 પણ તેઓ પોતાના મત દાખલ માણસોની અજ્ઞા શિખવતાં મને વ્યર્થ ભજે છે.
8 દેવની આજ્ઞા પડતી મુકીને તમે માણસોના સંપ્રદાય પાળો છો.
9 અને તેણે તેઓને કહ્યું કે, તમે પોતાના સંપ્રદાય પાળવા સારૂ દેવની અઆગ્યા બરાબર રદ કરો છો.
10 કેમકે મુસાએ કહ્યું કે, તારા બાપને તથા તારી માને માન આપ, ને જે કોઇ બાપની કે માની નિંદા કરે તે માર્યો જાય;
11 પણ તમે કહો છો કે, જો કોઇ માણસ પોતાના બાપને કે માને કહે કે, મારાથી તને જે કંઈ લાભ થાત તે કોરબાન, એટલે અર્પિતદાન થયલું છે,
12 તો તમે તેને તેના બાપને સારૂ કે તેની માને સારૂ ત્યાર પછી કંઈ કરવા દેતા નથી,
13 અને એમ કરીને તમારા શિખાડેલા સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ કરો છો; ને એવાં ઘણાં કામો તમે કરો છો.
14 અને લોકને ફરી પોતાની પાસે બોલાવીને તેણે તેઓને કહ્યું કે, તમે સહુ મારું સાંભળો તથા સમજો.
15 માણસની બહારથી તેમાં પેસીને તેને વટાળી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તેજ માણસને વટાળે છે.
16 [[જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે]]
17 અને જયારે લોકોની પાસેથી જૈનને તે ઘરમાં પેઠો, ત્યારે તેના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી તેને પુછ્યું.
18 અને તે તેઓએ કહે છે કે, તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નહિ કે, બહારથી માણસમાં જે જે પેસે તે તેને વટાળી શકતું નથી?
19 કેમકે એના હ્રદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; ને નીકળીને સંડાસમાં જાય છે; [એવું કહીને] તેણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા.
20 વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે નીકળે છે તેજ માણસને વટાળે છે.
21 કેમકે માંહેથી, એટલે માણસોના હૃદયમાંથી ભુંડા વિચારો નીકળે છે, એટલે છિનાળા, ચોરીઓ, હત્યાઓ,
22 વ્યભિચારો, લોભ, દુષ્ટાઈ, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું,
23 એ બધાં ભુંડા વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે.
24 પછી તે ત્યાંથી ઉઠીને સૂર તથા સીદોનની સીમોમાં ગયો. અને તે ઘરમાં પેઠો, ને કોઇ ન જાણે એવું ચહાતો હતો; પણ તે ગુપ્ત રહી ન શક્યો.
25 કેમકે એક બાયડી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, ને તેને વિષે સાંભળીને આવી, ને તેના પગ આગળ પડી.
26 તે બાયડી યુનાની હતી, ને સુરફૈનીકી કુળની; ને તેણે પોતાની દીકરીમાંથી ભૂત કાઢવાને તેને વિનંતી કરી.
27 પણ ઇસુએ તેને કહ્યું કે, છોકરાને પહેલાં ધરાવા દે; કેમકે છોકરાંની રોટલી લઈને કુતરાંને ફેંકવી એ વાજબી નથી.
28 પણ તે ઉત્તર આપીને તેને કહે છે કે, હા, પ્રભુ, કુતરાં પણ મેજ તળે છોકરાંના કકડામાંથી ખાય છે.
29 અને તેણે તેને કહ્યું કે, આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી ભૂત નીકળ્યું છે.
30 અને તેણે પોતાને ઘેર આવીને જોયું કે, છોકરી ખાટલા પર સુતેલી છે, ને ભૂત નીકળ્યું છે.
31 અને ફરી સૂરની સીમોમાંથી નીકળીને, સીદોનમાં થઈને દકાપલીસની સીમોની મધ્યે થઈને, ગાલીલના સમુદ્રની પાસે તે આવ્યો.
32 અને તેઓ એક બહેરા બોબડાને તેની પાસે લાવે છે, ને તે પર હાથ મુકવાને તેને વિનંતી કરે છે.
33 અને તેણે લોક પાસેથી તેને એકાંત લઇ જઈને તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી, ને થુંકીને તેની જીભને અડકયો;
34 ને આકાશ તરફ જોઇને તેણે નિસાસો મુક્યો ને કહ્યું કે, એફફાથા, એટલે ઉઘડી જા.
35 અને તરત તેના કાનો ઉઘડી ગયા, ને તેની જીભનું બંધન છુટ્યું, ને તે સાફ બોલ્યો.
36 અને તેણે તેઓને તાકીદ કરી કે, તમારે કોઈને કહેવું નહિ; પણ જેમ જેમ તેણે વધારે તાકીદ કીધી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કીધું.
37 અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા કે, તેણે બધું સારૂંજ કર્યું છે; ને બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મુંગાઓને બોલતાં કરે છે.