1 ઇસુ ખ્રીસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહીમનો દીકરો, તેની વંશાવળી.

2 ઇબ્રાહીમથી ઇસહાક થયો, અને ઇસહાકથી યાકુબ થયો, અને યાકુબથી યહુદા તથા તેના ભાઈઓ થયા;

3 અને યહુદાથી થામરને પેટે ફારસ તથા ઝારા થયા. અને ફારસથી હસરૂન થયો, ને હસરૂનથી આરામ થયો.

4 અને આરામથી આમીનાદાબ થયો, અને આમીનાદાબ નાહશોન થયો, અને નાહશોનથી સલ્મોન થયો;

5 અને સલ્મોનથી રાહાબને પેટે બોઆઝ થયો; અને બોઆઝથી રૂથને પેટે ઓબેદ થયો; અને ઓબેદથી યિશાઈ થયો;

6 અને યિશાઈથી દાઉદ રાજા થયો. અને ઉરીયાહની જે વહુ હતી તેને પેટે દાઉદથી સુલેમાન થયો;

7 અને સુલેમાનથી રહાબઆમ થયો, અને રહાબઆમથી આબીયાહ થયો, અને આબીયાહથી આસા થયો;

8 અને આસાથી યહોશાફાટ થયો, અને યહોશાફાટથી યોરામ થયો, અને યોરામથી ઉઝીયાહ થયો;

9 અને ઉઝીયાહથી યોથામ થયો, અને યોથામથી આહાઝ થયો, અને અહાઝથી હઝકીયાહ થયો;

10 અને હઝકીયાહથી મનાશ્શેહ થયો, અને મનાશ્શેહથી આમોન થયો, સને આમોનથી યોશીયાહ થયો;

11 અને બાબેલના બંદીપ્રવાસને વખતે યોશીયાહથી યખોન્યાહ તથા તેના ભાઈઓ થયા.

12 અને બાબેલનો બંદીપ્રવાસ થયા પછી, યખોન્યાહથી સલથાઈલ થયો, ને સલથાઈલથી ઝરૂબ્બાબેલ થયો;

13 અને ઝરૂબ્બાબેલથી અબીહુદ થયો, અને અબીહુદથી એલિયાકીમ થયો, અને એલિયાકીમથી આઝોર થયો;

14 અને આઝોરથી સાદુક થયો, અને સાદુકથી આખીમ થયો, અને આખીમથી એલીહુદ થયો;

15 અને એલીહુદથી એલિયાઝર થયો, અને એલિયાઝરથી માત્થાન થયો, અને માત્થાનથી યાકુબ થયો;

16 અને યાકુબથી જે યુસફ મરિયમનો વાર હતો તે થયો, એ [મરિયમ]થી ઇસુ જે ખ્રીસ્ત કહેવાય છે તે જન્મ્યો.

17 માટે ઇબ્રાહીમથી દાઉદ સુધી સઘળી મળીને ચૌદ પેઢી, અને દાઉદથી બાબેલના બંદીપ્રવાસ સુધી ચૌદ પેઢી, અને બાબેલના બંદીપ્રવાસના કાલથી ખ્રીસ્ત સુધી ચૌદ પેઢી થઇ.

18 અને ઇસુ ખ્રીસ્તનો જન્મ એમ થયો કે તેની મા મરિયમનું વેવીશાળ યુસફ જોડે થયા પછી, તેઓના મિલાપ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થએલી જણાઈ.

19 અને તેનો વાર યુસફ જે નીતિવાન હતો, તેણે તેનું ઉઘાડું અપમાન કરવા ન ચહાતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાની ધાર્યું.

20 પણ એ સંબંધી તે વિચારતો હતો, ત્યારે જુઓ, પ્રભુના દૂતે તેને સ્વપ્ન્નમાં દર્શન આપીને કહ્યું કે, ઓ યુસફ, દાઉદના દીકરા, તારી વહુ મરિયમને તેડી લાવવાને બીહી માં; કેમકે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.

21 અને તે દીકરો જાણશે, ને તું તેનું નામ ઇસુ પાડશે; કેમકે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એજ છે.

22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ ભવિષ્યવાદી મારફત જે કહ્યું હતું તે પુરૂં થાય કે,

23 જુઓ, કુમારી ગર્ભવતી થશે, ને દીકરો જણશે, ને તનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, દેવ આપણી સાથે.

24 ત્યારે યુસફે ઉંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેં કીધું, એટલે તે પોતાની વહુને તેડી લાવ્યો.

25 અને તેણીએ પોતાના પહેલા દીકરાને જણ્યો ત્યાં સુધી તેણે તેણીને જાણી નહિ; ને તેણે તેનું નામ ઇસુ પાડ્યું.