1 અને ઇસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચુક્યો ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને ત્યાંથી તેઓનાં નગરોમાં તે ગયો.

2 હવે યોહાને કેદખાનામાં ખ્રીસ્તનાં કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પુછાવ્યું કે,

3 આવનાર તે તુંજ છે, કે અમે બીજાની વાટ જોઈએ?

4 ત્યારે ઇસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, તમે જે જે સાંભળો છે ને જુઓ છો, તે જઇને યોહાનને કહી દેખાડો કે,

5 આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે, રક્તપીત્તિઓ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મુએલા ઉઠાડાય છે, ને દરિદ્રીઓને સુવાર્ત્તા પ્રગટ કરાય છે.

6 અને જે કોઇ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેણે ધન્ય છે.

7 અને તેઓ જતા હતા ત્યારે ઇસુ યોહાન સંબંધી લોકોનને કહેવા લાગ્યો કે, તમે રાનમાં શું જોવા નિકળ્યા? શું પવનથી હાલતા બરૂને?

8 પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણાં લૂગડાં પહેરેલા માણસને? જુઓ, જે ઝીણાં લૂગડાં પહેરે છે તેઓ રાજાઓના મહેલોમાં છે.

9 તો તમે શું જોવા નીકળ્યા? શું ભવિષ્યવાદીને? હું તમને કહું છું કે, હા, ભવિષ્યવાદી કરતાં જે ઘણો વિશેષ તેને.

10 જે સંબંધી એ લખ્યું છે કે, જો, હું મારા દૂતને તારા મ્હો આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, તે એજ છે.

11 હું તમને ખચિત કહું છું કે, બાયડીઓથી જે જન્મ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઇ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ આકાશના રાજ્યમાં જે બહુ નાનો તે તેના કરતાં મોટો છે.

12 અને યોહાન બાપ્તિસ્મા કરનારના વખતથી હજી સુધી આકાશના રાજ્ય પર બલાત્કાર થાય છે, ને બલાત્કાર કરનારાઓ બલાત્કારથી તે લઇ લે છે.

13 કેમકે બધા ભવિષ્યવાદીઓએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી ભવિષ્ય કહ્યાં છે.

14 અને જો તમે માનવા ચાહો તો એલીયાહ જે આવનાર છે તે એજ છે.

15 જેણે સાંભળવાને કાન છે તે સાંભળે.

16 પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંના જેવી છે, કે જેઓ ચૌટાઓમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતા કહે છે કે,

17 અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અને શોક કીધો, પણ તમે રડ્યા નહિ.

18 કેમકે યોહાન ખાતો પીતો નથી આવ્યો, ને તેઓ કહે છે કે, તેને ભૂત વળગ્યું છે.

19 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, ને તેઓ કહે છે કે, જુઓ, ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર, પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.

20 ત્યારે જે નગરોમાં તેનાં બહુ પરાક્રમી કામો થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કીધો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યો કે,

21 ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઇદા, તમે હાય! હાય! કેમકે જે પરાક્રમી કામ તમારામાં થયાં, તે જો સૂર તથા સીદોનમાં થયા હોત, તો તેઓએ તાટ તથા રાખમાં ક્યારનો પસ્તાવો કર્યો હોત.

22 વળી હું તમને કહું છું કે, ન્યાયકાળે સૂર તથા સીદોનને તમારા કરતાં સહેલ પડશે.

23 અને, ઓ કાપરનાહુમ, તું આકાશ સુધી ઉંચું કરાશે શું? તું પાતાળ સુધી નીચું ઉતરશે; કેમકે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયા હોત, તો તે આજ લગી રહેત.

24 વળી હું તમને કહું હું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલું પડશે.

25 તે વળી ઇસુએ કહ્યું કે, ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમકે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તેં એ વાતો ગુપ્ત રાખી છે, ને બાળકો આગળ પ્રગટ કીધી છે.

26 હા, ઓ બાપ, કેમકે તને એવું સારૂ લાગ્યું.

27 મારા બાપે મને સઘળું સોંપ્યું છે; ને બાપ વગર દીકરાને કોઇ જાણતો નથી, ને દીકરા વગર, તથા જેણે દીકરા પ્રગટ કરવા ચાહે તે વગર, બાપને કોઇ જાણતો નથી.

28 ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.

29 મારી ઝુસરી પોતા પર લો, ને મારી પાસે શિખો, કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે પોતાના જીવમાં વિસામો પામશો.

30 કેમકે મારી ઝુંસરી સહેલ, ને મારો બોજો હલકો છે.