1 આને ઇસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતો હતો, ત્યારે તેના શિષ્યો તેને મંદિરના બાંધકામો દેખાડવાને પાસે આવ્યા.

2 ત્યારે તેણે ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, શું તમે એ બધા નથી દેખતાં? હું તમને ખચિત કહું છું કે, પાડી નહિ નંખાય, એવો એક પણ પત્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.

3 પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે, એ બહુ ક્યારે થશે? ને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહે.

4 ત્યારે ઇસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, તમને કોઇ ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.

5 કેમકે મારે નામે ઘણા એમ કેહતા આવશે કે, હું તે ખ્રીસ્ત છું; ને ઘણાને ભુલાવામાં નાખશે.

6 અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમકે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.

7 કેમકે પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્ય વિરુદ્ધ ઉઠશે, ને દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપો થશે.

8 પણ એ બધા તો દુઃખોના આરંભ છે.

9 ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

10 અને તે વેળા ઘણા ઠોકર ખાશે, ને એક બીજાને પરસ્વાધીન કરાવશે, ને એક બીજા પર વૈર કરશે.

11 અને જુઠા ભવિષ્યવાદીઓ ઘણા ઉઠશે, ને ઘણાને ભુલાવામાં નાખશે,

12 અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ થંડો થઇ જશે.

13 પણ અંત સુધી જે ટકશે તે તારણ પામશે.

14 અને સર્વ પ્રજાઓને સાક્ષી થવા સારૂ રાજ્યની આ સુવાર્ત્તા અખા જગતમાં પ્રગટ કરાશે; ને ત્યારે અંત આવશે.

15 એ માટે ઉજડની અમંગળપણા [ની નિશાણી] જે સંબંધી દાનીએલ ભવિષ્યવાદીએ કહેલું છે, તેને જયારે તમે પવિત્ર જગ્યાએ ઉભેલી જુઓ (જે વાંચે તે સમજે),

16 ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓ પહાડો પર નાસી જાય;

17 ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે;

18 ને ખેતરમાં જે હોય તે પોતાનું લુગડું લેવાને પાછો ન ફરે.

19 અને તે દહાડાઓમાં જેઓ ગર્ભવતી હોય, તથા જેઓ ધવાડતી હોય, તેઓને અફસોસ છે.

20 પણ તમારૂ નાસવું શીયાળામાં કે વિશ્રામવારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો.

21 કેમકે તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે, તેવી જગતના આરંભથી હમણાં સુધી થઇ નથી, ને કદી થશે પણ નહિ.

22 અને જો તે દહાડા ઓછા કરવામાં ન આવત તો કોઇ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દહાડા ઓછા કરાશે.

23 ત્યારે જો કોઇ તમને કહેશે કે, જુઓ, ખ્રીસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા ના;

24 કેમકે જુઠા ખ્રીસ્ત તથા જુઠા ભવિષ્યવાદીઓ ઉઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદભુત કૃત્યો દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેં ભુલાવામાં નાખશે.

25 જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.

26 એ માટે જો તેઓ તમને કહે કે, જુઓ, તે રાનમાં છે, તો બહાર ના જતા; જુઓ, તે ઓરડીઓમાં છે, તો ના માનતા.

27 કેમકે જેમ વિજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમજ માણસના દીકરાનું આવવું થશે.

28 જ્યાં મુડદું હોય, ત્યાં ગીધો એકઠાં થશે.

29 અને તે દહાડાઓની વિપત્તિ પછી, તરત સુરજ અંધકારરૂપ થઇ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપશે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.

30 અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમામાં આકાશના મેઘ પર આવતો તેઓ દેખશે.

31 અને રણશિંગડાડાના મોટા આવાજ સહિત તે પોતાના દૂતોને મોકલાશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકઠા કરશે.

32 હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઇ હોય છે, ને પાંદડા ફુટી નીકળે છે, ત્યારે તમે જાણો છે કે ઉનાળો પાસે આવ્યો છે.

33 એમજ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે બારણા આગળજ છે.

34 હું તમને ખચિત કહું છું કે, એ બધાં પુરા થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.

35 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.

36 પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઇ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ ને દીકરો પણ નહિ.

37 ને જેમ નુહના સમયમાં થયું, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.

38 કેમકે જેમ જલપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાં પીતા, ને પરણતા પરણાવતા હતા;

39 અને જલપ્રલય આવીને સહુને તાણી લઇ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.

40 તે વખત બે માણસ ખેતરમાં હશે, એક લેવાશે ને બીજો પડતો મુકાશે.

41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે.

42 માટે જાગતા રહો, કેમકે તમારો પ્રભુ કયે દિવસે આવશે એ તમે જાણતા નથી.

43 પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે, એ જો ઘરઘણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ખાતર પાડવા ન દેત.

44 એ માટે તમે પણ તૈયાર રહો; કેમકે જે ઘડીએ તમે ધારતા નથી તે ઘડીએ માણસનો દીકરો આવશે.

45 તો જે ચાકરના ઘણીએ પોતાના ઘરનાંને થોક વખતે ખાવાનું આપવા સારૂ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તે વિશ્વાસુ તથા બુદ્ધિવાન ચાકર કોણ છે?

46 જેને તેનો ઘણી આવીને એમ કરતો દેખશે તે ચાકરને ધન્ય છે.

47 હું તમને ખચિત કહું છું કે, તે તેને પોતાની બધી સંપતિઓ કારભારી ઠરાવશે.

48 પણ જો તે ભુંડો ચાકર પોતાના મનમાં કહેશે કે, મારો ઘણી આવતાં વાર લગાડે છે;

49 ને તે બીજા ચાકરોને મારવા તથા છાકટાઓની સાથે ખાવા તથા પીવા લાગશે,

50 તો જે દહાડે તે તેની વાત જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેમાં તે ચાકરનો ઘણી આવશે;

51 ને તેને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.