1 અને પહાડ પરથી તે ઉતર્યો, ત્યારે અતિ ઘણા લોક તેની પાછળ ગયા.

2 અને જુઓ, એક કોઢીઆએ આવીને તેને પગે લાગીને કહ્યું કે, ઓ પ્રભુ, જો તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે.

3 ત્યારે તેણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા.અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.

4 પછી ઇસુ તેને કહે છે કે, જોજે, તું કોઇને કહીશ મા, પણ જા, યાજકને પોતાને દેખાડ, ને તેઓને માટે સાક્ષી તરીકે, જે અર્પણ મુસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.

5 અને ઇસુ કાપરનાહુમમાં પેઠો, ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરતાં કહ્યું કે,

6 ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી પડેલો છે, ને તેને ભારે પીડા થાય છે.

7 ત્યારે તે તેને કહે છે કે, હું આવીને તેને સાજો કરીશ.

8 અને જમાદારે ઉત્તર દેતા કહ્યું કે, ઓ પ્રભુ, તું મારાં છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી; પણ તું કેવળ શબ્દ કહે, એટલે મારો ચાકર સાજો થશે.

9 કેમકે હું પણ પરાધીન માણસ છું, ને સિપાઈઓ મારે સ્વાધીન છે; અને એકને હું કહું છું કે, જા, ને તે જાય છે; ને બીજાને, આવ, ને તે આવે છે; ને મારા દાસને કે, એ કર, ને તે કરે છે.

10 ત્યારે ઇસુ તે સાંભળીને અચરત થયો, ને પાછળ આવનારાઓને તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે, એટલો વિશ્વાસ મેં ઇસ્રાએલમાં પણ જોયો નથી.

11 અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોક આવશે, ને ઈબ્રાહીમની તથા ઇસહાકની તથા યાકુબની સાથે આકાશના રાજ્યમાં બેસશે;

12 પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

13 અને ઇસુએ તે જમાદારને કહ્યું કે, જા, જેવો તે વિશ્વાસ કીધો તેવુંજ તને થાય. અને તેજ ઘડી તેનો ચાકર સાજો થયો.

14 અને ઇસુએ પીતરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી દીઠી.

15 અને તે તેણીની હાથને અડકયો, એટલે તેણીનો તાવ જતો રહ્યો, ને તેણીએ ઉઠીને તેની સેવા કીધી.

16 અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેની પાસે લાવ્યા, ને તેણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને સઘળાં માંદાઓને સાજા કર્યાં.

17 એ માટે કે યશાયાહ ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરું થાય કે, તેણે પોતે આપણા મંદવાડ લીધા, ને આપણા રોગ ભોગવ્યા.

18 અને ઇસુએ લોકોનો મોટો જથો પોતાની આસપાસ દીઠો, ત્યારે પેલે પાર જવાની આજ્ઞા કીધી.

19 અને એક શાસ્ત્રીએ પાસે આવીને તેને કહ્યું કે, ઓ ઉપદેશક, જ્યાં કહીં તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.

20 ત્યારે ઇસુ તેને કહે છે કે, લોકંડાને દર હોય છે, ને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું તેકવાનો ઠામ નથી.

21 અને તેના શિષ્યોમાંથી બીજાએ તેને કહ્યું કે, પ્રભુ, મને રજા આપ કે હું પહેલાં જઈને મારા બાપને દાટું.

22 પણ ઇસુએ તેને કહ્યું કે, તું મારી પાછળ આવ, ને મુએલાઓને પોતાના મુએલાઓને દાટવા દે.

23 અને હોડી પર તે ચઢ્યો ત્યારે તેના શિષ્યો તેની પાછળ ગયા.

24 અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઇ; પણ તે પોતે ઉંઘતો હતો.

25 ત્યારે તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે, ઓ પ્રભુ, અમને બચાવ, અમે નાશ પામીએ છીએ.

26 અને તે તેઓને કહે છે, ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા વાસ્તે ભયભીત થયા છો? પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા; ને મહા શાંતિ થઇ.

27 ત્યારે તે માણસોએ અચરત થઈને કહ્યું કે, એ શી તરેહનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે!

28 અને પેલે પાર ગાડરેનોના દેશમાં તે પહોંચ્યો ત્યારે ભૂત વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઇથી જવાતું ન હતું.

29 અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, ઓ દેવના દીકરા, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા દેવાને અહી આવ્યો છે શું?

30 હવે તેઓથી બહુ આધું ઘણાં ભુંડોનું એક ટોળું ચરતું હતું.

31 અને ભૂતોએ તેને વિનંતી કરતાં કહ્યું કે, જો તું અમને કાઢે તો ભુંડોના ટોળામાં અમને મોકલ.

32 અને તેણે તેઓને કહ્યું કે, જાઓ. પછી તેઓ નીકળીને ભુંડોમાં પેઠો; ને જુઓ, આખું ટોળું કરાડા પરથી સમુદ્રમાં ઘસી પડ્યું, ને પાણીમાં બુડી મુઉં.

33 ત્યારે ચરાવનારા નાઠા, ને નગરમાં જઈને તેઓએ સઘળું કહી જણાવ્યું; ને ભૂતવળગેલાઓને શું થયું તે પણ કહ્યું.

34 ત્યારે જુઓ, આખું નગર ઇસુને મળવાને બહાર આવ્યું; ને તેને જોઇને તેઓએ તેને વિનંતી કીધી કે, અમારી સીમોમાંથી જા.