2 આજ મારી પાસેથી તું ગયા પછી બિન્યામીનની સીમમાં સેલ્સાહ પાસે રાહેલીની કબર નજીક તને બે માણસ મળશે, ને તેઓ તને કહેશે કે, જે ગધેડાનો શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે; ને જો, તારો બાપ ગધેડાની કાળજી છોડીને તારા વિષે ચિંતા કરતાં કહે છે કે, મારા દીકરા હું શું કરૂં?
3 પછી તું ત્યાંથી આગળ ચાલતાં તાબોરના આલોન વૃક્ષ આગળ આવશે, ને ત્યાં એક જણ બકરાનાં ત્રણ બચ્ચાં ઉંચકી જતો, ને એક જણ ત્રણ રોટલી ઉંચકી જતો, ને એક જણ દ્રાક્ષરસની કુંડી ઉચકી જતો, એવા ત્રણ માણસો દેવ પાસે બેથેલમાં જતાં તને મળશે.
4 અને તેઓ તને પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, ને તું તેઓના હાથમાંથી લેશે.
5 ત્યાર પછી દેવનું પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે, તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે ભવિષ્યવાદીઓની એક ટોળી, તેની આગળ સિતાર, ને ડફ, ને વાંસળી, ને વીણા વગાડનારા સહિત, ઉંચસ્થાનથી ઉતરતી તને મળશે, ને તેઓ ભવિષ્ય કહેતા માલમ પડશે.
6 અને યહોવાહનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, ને તેઓની સાથે તું ભવિષ્ય કહેશે, ને તું બદલાઈને જુદોજ માણસ થઇ જશે.
7 અને જયારે તને એ ચિન્હ મળે ત્યારે એમ થાય કે, તારે પ્રસંગાનુસાર વર્તવું; કેમકે દેવ તારી સાથે છે.
8 અને તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે; ને જો, દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને હું ત્યાં તારી પાસે આવીશ; હું તારી પાસે આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી, એટલે સાત દિવસ સુધી, ત્યાં થોભજે.
9 અને એમ થયું કે, શમૂએલ પાસેથી જવાને પીઠ ફેરવી કે દેવે તેને જુદું હૃદય આપ્યું; ને તેજ દિવસે તે સર્વ ચિન્હો પૂરાં થયા.
10 અને જયારે તેઓ ત્યાં પર્વત પાસે આવ્યા, ત્યારે, જુઓ, ભવિષ્યવાદીઓની ટોળી તેને મળી, ને દેવનો આત્મા તેના ઉપર પરાક્રમ સહિત આવ્યો, ને તેણે તેઓની સાથે ભવિષ્ય કહ્યું.
11 અને એમ થયું કે, જે સર્વે તેને પૂર્વે ઓળખતા હતા તેઓ જયારે જોયું કે, જુઓ, ભવિષ્યવાદીઓની સાથે તે ભવિષ્ય કહે છે, ત્યારે તે લોકોએ એકમેકને એમ કહ્યું કે, કીશના દીકરાને શું થયું છે? શાઉલ પણ ભવિષ્યવાદીઓ મધ્યે છે કે શું?
12 ને તેજ જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું કે, તેઓનો બાપ કોણ છે? એ ઉપરથી એવી કહેવત ઉત્પન્ન થઇ કે, શાઉલ પણ ભવિષ્યવાદીઓ મધ્યે છે કે શું?
13 ને ભવિષ્ય કહેવાનું સમાપ્ત કર્યા પછી તે ઉંચસ્થાને આવ્યો.
14 અને શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું કે, તમે ક્યાં ગયા હતા? ને તેણે કહ્યું કે, ગધેડાંનો શોધ કરવાને; ને તે મળ્યો નહિ, એ જોઇને અમે શમૂએલ પાસે ગયા હતા.
15 અંને શાઉલના કાકાએ કહ્યું, શમૂએલે તમને શું કહ્યું, એ મને કૃપા કરીને કહે.
16 અને શાઉલે પોતાના કાકાને કહ્યું કે, ગધેડાં મળ્યા છે, એમ તે અમને સ્પષ્ટ કહ્યું. પણ રાજ્યની વાત જે વિષે શમૂએલ બોલ્યો હતો તે સંબંધી તેણે તેને કહ્યું નહિ.
17 અને મિસ્પાહ મધ્યે યહોવાહ પાસે શમૂએલે લોકોને બોલાવી ભેગા કીધા.
18 અને ઇસ્રાએલપુત્રોને તેણે કહ્યું, ઇસ્રાએલનો દેવ યહોવાહ એમ કહે છે કે, હું મિસરમાંથી ઇસ્રાએલને કાઢી લાવ્યો, ને મિસરીઓના હાથમાંથી, ને તમારા પર જુલમ કરનારાં સર્વ રાજ્યોના હાથમાંથી ને તમને છોડાવ્યા.
19 પણ તમારો દેવ જે પોતે તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારાં સંકટોથી તમને છોડાવે છે તેને આજ તમે નકાર્યો છે, ને તમે તેને કહ્યું છે કે, અમારા ઉપર તો રાજા ઠરાવી આપ; તો હવે તમારા કુળો પ્રમાણે, ને તમારા હજારો પ્રમાણે યહોવાહ આગળ હાજર થાઓ.
20 અને શમૂએલ ઇસ્રાએલના સર્વ કુળોને પાસે લાવ્યો, ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું.
21 અને બિન્યામીનના કુળને તેના કુટુંબો પ્રમાણે તે પાસે લાવ્યો, ત્યારે માટ્રીનું કુટુંબ માન્ય થયું. અને કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો, પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહિ.
22 એ માટે તેઓએ યહોવાહને વળી પુછ્યું કે, તે માણસ હજી આવ્યો છે કે નહિ? ત્યારે યહોવાહે ઉત્તર આપ્યો કે, જુઓ, તે સમાન મધ્યે સંતાએલો છે.
23 અને તેઓ દોડતા ગયા, ને તેને ત્યાંથી લાવ્યા; ને લોકો મધ્યે તે ઉભો રહ્યો, ત્યારે તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકો કરતાં તરતો હતો.
24 અને શમૂએલે સર્વ લોકોને કહ્યું કે, શું, યહોવાહના પસંદ કીધેલાને તમે જુઓ છો કે સર્વ લોકોમાં તેના જેવો કોઇ નથી? ને સર્વ લોકોએ ઘાંટો પાડીને કહ્યું કે, રાજાનો જયજયકાર થાઓ.
25 અને શમૂએલે રાજ્યની રીતી લોકોને કહી, ને પુસ્તકમાં લખી, ને યહોવાહ આગળ તે રાખી મુક્યું; ને શમૂએલે સર્વ લોકોને પોતપોતાને ઘેર વિદાય કીધી.
26 અને શાઉલ પણ પોતાને ઘેર ગિબઆહમાં ગયો, ને તેની સાથે જે શૂરવીરોના હૃદય પર દેવે અસર કીધી હતી તેઓ ગયા.
27 પણ કેટલાક બલીઆલપુત્રોએ કહ્યું, આ માણસ કેમ કરીને અમારો બચાવ કરશે? ને તેઓએ તેને તુચ્છ કીધો, ને તેની પાસે કંઈ ભેંટ લાવ્યા નહિ, તો પણ તે છાનો રહ્યો.