2 અને એક વેળાએ એલી પોતાની જગ્યાએ સૂતો હતો, (હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તે દેખી શકતો નહોતો,)
3 ને દેવનો દીવો હોલવાયા અગાઉ યહોવાહના મંદિરમાં જે ઠેકાણે દેવનો કોષ હતો ત્યાં શમૂએલ સૂતેલો હતો; તે વેળાએ એવું થયું કે,
4 યહોવાહે શમૂએલ્ને હાંક મારી, એટલે તેણે ઉત્તર આપ્યો કે, હું આ રહ્યો.
5 અને તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, હું આ રહ્યો; કેમકે તેં મને બોલાવ્યો અને તેણે કહ્યું, મેં બોલાવ્યો નથી, પાછો સુઇ જા. અને તે જઈને સૂતો.
6 અને યહોવાહે હજીએ બીજી વાર હાંક મારી કે, શમૂએલ. અને શમૂએલ ઉઠીને એલી પાસે ગયો, ને કહ્યું, હું આ રહ્યો; કેમકે તેં મને બોલાવ્યો. અને તેણે ઉત્તર આપ્યો, મેં બોલાવ્યો નથી, મારા દીકરા; પાછો સુઇ જા.
7 હવે શમૂએલને હજી સુધી યહોવાહની ઓળખ થઇ ન હતી; ને યહોવાહનું વચન પણ હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું.
8 અને યહોવાહે ફરીથી, ત્રીજી વેળા શમૂએલને હાંક મારી.અને તે ઉઠીને એલી પાસે ગયો, ને કહ્યું, હું આ રહ્યો; કેમકે તેં મને બોલાવ્યો. અને એલીએ જોયું કે યહોવાહે છોકરાંને હાંક મારી છે.
9 એ માટે એલીએ શમૂએલને કહ્યું કે, જઈને સુઇ જા; ને જો તે તને બોલાવે તો એમ થાય કે તું કહેજે કે, બોલ, યહોવાહ, કેમકે તારો સેવક સાંભળે છે. ત્યારે શમૂએલ જઈને પોતાને ઠેકાણે સુતો.
10 અને યહોવાહ આવીને ઉભો રહ્યો, ને પહેલાંની પેઠે હાંક મારી કે, શમૂએલ, શમૂએલ. ત્યારે શમૂએલે ઉત્તર આપ્યો કે, બોલ, કેમકે તારો સેવક સાંભળે છે.
11 ત્યારે યહોવાહે શમૂએલને કહ્યું, જો, ઇસ્રાએલ મધ્યે હું એક કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાનો ભણભણશે.
12 તે દિવસે એલીની વિરુદ્ધ, તેના ઘર સંબંધી જે સઘળું મેં કહ્યું છે તે, આરંભથી તે અંત સુધી, હું પુરૂં કરીશ.
13 કેમકે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટપણું તેને માલૂમ છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શ્રાપ લાવ્યા, ને તેણે તેઓને અટકાવ્યા નહિ.
14 અને એ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે, એલીના ઘરની દુષ્ટાઈનું પ્રાયશ્ચિત યજ્ઞથી કે અર્પણથી કદાપિ થશે નહિ
15 અને સવાર સુધી શમૂએલ સુઇ રહ્યો, ને પછી યહોવાહના ઘરનાં બારણા ઉઘાડ્યા; ને એ સંદર્શન એલીને કહેતાં શમૂએલ બીધો.
16 ત્યારે એલીએ શમૂએલને હાંક મારતા કહ્યું, મારા દીકરા, શમૂએલ. અને તેણે કહ્યું, હું આ રહ્યો.
17 અને તેણે કહ્યું, યહોવાહે જે વાત તેને કહી છે તે શી છે? કૃપા કરીને તે મારાથી છાની ન રાખીશ; તેણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઇ પણ જો તું મારાથી છુપાવે તો દેવ એવું ને એ કરતાં પણ વધતું તને કરો.
18 અને શમૂએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ છુપાવ્યું નહિ; ને તેણે કહ્યું, તે યહોવાહ છે, તેની નજરમાં જે સારૂ લાગે તે તે કરો.
19 અને શમૂએલ મોટો થયો, ને યહોવાહ તેની સાથે હતો, ને તેનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહિ.
20 અને દાનથી તે ઠેઠ બેરશેબા સુધીના સર્વ ઇસ્રાએલીઓએ જાણ્યું કે, શમૂએલ યહોવાહથી સ્થપાએલો ભવિષ્યવાદી છે.
21 અને શીલોહ મધ્યે યહોવાહે ફરીથી દર્શન દીધું; કેમકે યહોવાહ શમૂએલનો શીલોહ મધ્યે યહોવાહની વાણીરૂપે પ્રગટ થતો હતો.