1 આ વાત વિશ્વાસુ છે કે, જો કોઈ, અધ્યક્ષનો હોદ્દો ચાહે છે, તો તે સારા કામની ઈચ્છા કરે છે.

2 અધ્યક્ષ નિર્દોષ, એક સ્ત્રીનો વાર, સાવધાન, સુબુદ્ધિવાન, વ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શિખવી શકે એવો,

3 મધપી નહિ, મારનાર નહિ, પણ સહનશીલ, કજીઆ કરનાર નહિ, દ્રવ્યલોભી નહિ,

4 પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને સર્વ ગંભીરપણાથી આધીન રાખનાર, એવો હોવો જોઈએ.

5 (કેમકે જો કોઈ પોતાના ઘરનાંને ચલાવી જાણતો નથી, તો તે દેવની મંડળીની સંભાળ કઇ રીતે કરશે?)

6 નવો શિષ્ય નહિ, રખે તે ફુલાઈને શેતાનની શિક્ષામાં પડે.

7 વળી જરૂર છે કે, એનો વિષે બહારનાઓની તરફથી સારી શાહેદી હોય, એ સારૂ કે તે અપમાનમાં તથા શેતાનના ફાંદામાં ન પડે.

8 એ પ્રમાણે સેવકો પણ ગંભીર, બેવચની નહિ, ઘણા મદ્યપી નહિ, નીચ લાભ વિષે લોભી નહિ,

9 વિશ્વાસી [ધર્મનો] મર્મ શુદ્ધ અંતઃકરણથી રાખનાર એવો હોય જોઈએ.

10 તેઓ પહેલાં પરખાએલા થાય; પછી જો નિર્દોષ માલમ પડે તો સેવકનું કામ કરે.

11 એ પ્રમાણે બાયડીઓ ગંભીર, નિંદાખોર નહિ, સાવધાન, સર્વ વાતમાં વિશ્વાસુ એવી હોવી જોઈએ.

12 હરેક સેવક એક સ્ત્રીનો વાર, પોતાનાં છોકરાં તથા ઘરનાંને સારી રીતે ચલાવનાર એવો હોવો જોઈએ.

13 કેમકે જેઓએ સેવકનું કામ સારી રીતે કીધું, તેઓ પોતાને સારું સારી પડવી તથા ખ્રીસ્ત ઇસુ પરના વિશ્વાસમાં મોટી હિમ્મત મેળવે છે.

14 હું તારી પાસે વહેલો આવવાની આશા રાખીને તને એ વાતો લખું છું;

15 એ સારૂ કે જો મને વાર લાગે, તો તારે દેવના ઘરમાં કઈ રીતે વર્તવું, એ તને જણાય; એ ઘર જીવતા દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા આધાર છે.

16 અને ખચિત સુભક્તિ મર્મ મોટો છે, એટલે જે દેહમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો, વિદેશીઓમાં તેની વાત પ્રગટ થઇ, જગતમાં તે પર વિશ્વાસ થયો, મહિમામાં તે ઉપર લેવાયો.