1 ઘરડાને ન ધમકાવ, પણ જેમ બાપને તેમ તેને બોધ કર; ને જેમ ભાઈઓને તેમ જુવાનોને;

2 ને જેમ માઓને તેમ ઘરડીઓને; ને જેમ બહેનોને તેમ પુરી પવિત્રાઈથી જુવાન બાયડીઓને બોધ કર.

3 જે વિધવાઓ ખરેખરી વિધવા છે તેઓને માન આપ.

4 પણ જે કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં સુભક્તિ કરવાને તથા પોતાનાં માબાપોને પ્રતિદાન આપવાને શિખે, કેમકે દેવની આગળ આ સારૂં તથા પસંદ છે.

5 જે ખરેખરી વિધવા તથા એકલી પડેલી છે, તેણે દેવ પર આશા રાખી છે, ને રાત દહાડો તે વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.

6 પણ જે વિલાસી તે જીવતીજ મુએલી છે.

7 આ વાતો આગ્રહથી કહે કે તેઓ નિર્દોષ થાય.

8 પણ જો કોઇ પોતાની કે વિશેષ કરીને પોતાના ઘરનાંની ખબર રાખતો નથી, તો તેણે વિશ્વાસ નકાર્યો છે તથા તે અવિશ્વાસી કરતા ભુંડો છે.

9 સાઠ વરસની અંદરની નહિ એવી જે વિધવા, એક વરની વહુ,

10 સારાં કામ વિષે વખણાએલી, જ તેણીએ છોકરાનું પ્રતિપાલન કીધું હોય, જો પરેણાની ચાકરી કીધી હોય, જો પવિત્રોના પગ ધોયા હોય, જો દુઃખીઓને સહાયતા કીધી હોય, જો તે હરેક સારા કામની પાછળ લાગી હોય તો તે ટીપમાં નોંધાય.

11 પણ જુવાન વિધવાઓને ટીપમાં નોંધવી નહિ, કેમકે તેઓ ખ્રીસ્તને ઉલટી ઉન્મત્ત થશે ત્યારે પરણવા ચહાશે.

12 તેઓને દંડાજ્ઞા છે, કેમકે તેઓએ અસલ વિશ્વાસને છોડી દીધો છે.

13 અને તે ઉપરાંત ઘેરેઘેર ફરતાં તેઓ આળસુ થવાનું શિખે છે, ને કેવળ આળસુ નહિ, પણ જે ઘટતું નથી તે બોલીને ગપ્પી તથા પરાઈ ચરચા કરનારી થાય છે.

14 માટે હું ઈચ્છું છું કે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જણે, ઘર ચલાવે, અટકાવનારને નિંદા કરવાનું નિમિત્ત ન આપે.

15 કેમકે કેટલીએક હમણાં શેતાનની પાછળ ફરી ગઇ છે.

16 અને જો કોઈ વિશ્વાસણની પાસે વિધવાઓ હોય, તો તે તેઓનું પુરું પાડે, ને મંડળી ઉપર ભાર ન નાખે, એ સારૂ કે જે ખરેખરી વિધવાઓ છે તેઓનું તે પુરું પાડે.

17 જે વડીલો સારી રીતે અધિકાર કરે છે, ને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિખાડવામાં મહેનત કરે ચ, તેઓને બમણા માન યોગ્ય ગણવા.

18 કેમકે શાસ્ત્ર કહે છે કે, પારે ફરનાર બળદના મ્હો પર શેંકી ન બાંધ, ને કામ કરનાર પોતાની મજુરીને યોગ્ય છે.

19 બે કે ત્રણ શાહેદી વગર વડીલ પરનું તહોમત ન સાંભળો.

20 પાપ કરનારાઓને સઘળાંની આગળ ધમકાવ, એ સારૂ કે બીજાને પણ બીક લાગે.

21 દેવ તથા ખ્રીસ્ત ઇસુ તથા પસંદ કીધેલા દૂતો આગળ હું તને આજ્ઞા કરું છું કે, પક્ષપાત પ્રમાણે કંઈ ન કરતાં તરફદારી વિના આ વાતો પાળ.

22 એકાએક કોઈ પર હાથ ન મુક, ને બીજાઓનાં પાપમાં ભાગિયા ન થા, પોતાને શુદ્ધ રાખ.

23 હવેથી [એકલું] પાણી ન પી, પણ તારા કોઠાને લીધે તથા તારી વારંવારની નબળાઈને લીધે, થોડો દ્રાક્ષરસ પી.

24 કેટલાએક માણસનાં પાપ બહુ પ્રગટ છતાં ન્યાયમાં આગળ જાય છે, ને કેટલાએકની પાછળ તેઓ આવે છે.

25 અને તે પ્રમાણે કેટલાએકનાં સારાં કામ પણ પ્રગટ છે, ને જેઓ જુદી જાતના છે તેઓ છાનાં રહી શકતાં નથી.