1 અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો,ને યહોવાહે તેની ચોતરફના શત્રુઓથી તેને નિરાંત આપી હતી, તેવામાં એવું બન્યું કે,

2 રાજાએ નાથાન ભવિષ્યવાદીને કહ્યું કે, જો, હું એરેજવૃક્ષના લાકડાની ઈમારતમાં રહું છું, પણ યહોવાહનું કોષ કનાતોમાં રહે છે.

3 અને નાથાને રાજાને કહ્યું કે, જઈને જે સઘળું તારા મનમાં છે તે કર; કેમકે યહોવાહ તારી સાથે છે.

4 અને તેજ રાતે એમ થયું કે, યહોવાહના શબ્દે નાથાન પાસે આવીને કહ્યું કે,

5 જઈને મારા સેવક દાઉદને કહે કે, યહોવાહ એમ કહે છે કે,શું તું મારે રહેવા સારૂ ઘર બાંધશે?

6 કેમકે હું ઇસ્રાએલ પુત્રોને મિસરમાંથી કાઢીને લાવ્યો, તે દિવસથી આજ સુધી હું ઘરમાં રહ્યો નથી, પણ તંબુમાં તથા મંડપમાં રહીને ચાલ્યો છું.

7 જે જે ઠેકાણે સર્વ ઇસ્રાએલ પુત્રો સાથે હું ફર્યો છું, ત્યાં ઇસ્રાએલના કુળોમાંના જે જેનોને મારા ઇસ્રાએલ લોકનું પાળણ કરવાની આજ્ઞા મેં આપી છે, તેઓમાંના કોઈને મેં એક શબ્દ પણ કહ્યો કે, મારે સારૂ એરેજવૃક્ષના લાકડાનું ઘર કેમ નાતી બાંધતા?

8 તો હવે મારા સેવક દાઉદને એમ કહે કે, સૈન્યનો યહોવાહ એમ અહે છે કે, મારા લોક ઇસ્રાએલ પર અધિકારી થવા સારૂ મેં તને મેઢવાડામાંથી તથા ઘેટાં પાછળ ભટકવા પરથી બોલાવી લીધો છે.

9 અને જ્યાં જ્યાં તું ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે હતો, ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નાબુદ કીધા છે, ને પૃથ્વી પરના મહાન પુરૂષોના નામ જેવું તારૂં નામ હું મોટું કરીશ.

10 અને હું મારા ઇસ્રાએલ લોકને સારૂ જગ્યા ઠરાવી આપીને તેઓને ત્યાં રોપીશ, કે તેઓ પોતાનીજ જગ્યાએ રહે ને ફરીથી ખસેડાય નહિ,

11 એટલે પહેલાંની પેઠે, તથા જે દિવસે મારા ઇસ્રાએલ લોક ઉપર ન્યાયાધીશો થવાની આજ્ઞા મેં કીધી ત્યાર પછીની પેઠે, તેઓને દુષ્ટાઈના પુત્રો હવે પછી દુઃખ દેશે નહિ; ને હું તને તારા સર્વ શત્રુઓથી વિસામો પમાડીશ; વળી યહોવાહ તને કહે છે કે,યહોવાહ તારૂં ઘર સ્થાપિત કરશે.

12 જયારે તારો દિવસો પૂરા થશે, ને તું તારા પિતૃઓની સાથે ઉંઘી જશે, ત્યારે તારી પછી હું તારા પેટના તારા સંતાનને ઉભો કરીશ, ને તેનું રાજ્ય સ્થાપીશ.

13 તે મારા નામને સારૂ એક ઘર બાંધશે, ને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ.

14 હું તેનો બાપ થઈશ, ને તે મારો પુત્ર થશે; જો તે ભુંડાઇ કરશે, તો હું મનુષ્યની સોટીથી તથા મનુષ્યપુત્રોના સાટકાથી તેને શિક્ષા કરીશ.

15 પણ જેમ મેં શાઉલને તારી આગળથી દૂર કરીને તેની પાસેથી પારી કૃપા લઇ લીધી, તેવી રીતે તેની પાસેથી તે લઇ લેવાશે નહિ.

16 અને તારૂં ઘર તથા તારૂં રાજ્ય સદા તારી આગળ અવિચળ થશે; તારૂં રાજ્યાસન સદાને માટે સ્થાપિત થશે.

17 આ સર્વ શબ્દો પ્રમાણે તથા આ સઘળા દર્શન પ્રમાણે નાથાન દાઉદની આગળ બોલ્યો.

18 ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમ્મુખ બેઠો; ને તેણે કહ્યું કે, હે પ્રભુ યહોવાહ, હું કોણ, તથા મારૂં ઘર શું, કે આટલે સુધી તું મને લાગ્યો છે?

19 ને, હે પ્રભુ યહોવાહ, તારી દૃષ્ટિમાં હજી એ તો જૂજ વાત લાગી હોય તેમ વળી તેં લાંબા કાળને માટે તારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ને હે પ્રભુ યહોવાહ, એ વળી માણસની રીતે!

20 ને દાઉદ તને બીજું શું કહીં શકે? કેમકે હે પ્રભુ યહોવાહ, તું તારા સેવકને ઓળખે છે.

21 તારા વચનની ખાતર, તથા તારા પોતાના સ્વભાવ પ્રમાણે, આ સર્વ મોટા કૃત્યો તેં કીધા છે, એ માટે કે તારો સેવક તે જાણે.

22 માટે, હે યહોવાહ દેવ, તું મોટો છે; કેમકે જે સઘળું અમે અમારા કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તારા જેવો કોઇ નથી, ને તારા શિવાય કોઇ દેવ નથી.

23 અને તારા ઇસ્રાએલ લોક જેવા પૃથ્વી પર કયા લોક છે કે જેઓને પોતાના લોક કરવા સારૂ છોડાવવાને, તથા પોતાનું નામ કરવાને, તથા જે પોતાના લોકને તે પોતાને સારૂ મિસરમાંથી તથા દેશજાતિઓમાંથી તથા તેઓના દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે, તેઓના દેખતાં તારે વાસ્તે મહાન તથા તારા દેશને વાસ્તે ભયંકર કૃત્યો કરવાને તું દેવ સિધાવ્યો?

24 ને તારા ઇસ્રાએલ લોક સર્વકાળ તારા લોક થાય, માટે તે તેઓને તારે સારૂ સ્થાપિત કીધા, ને તું યહોવાહ તેઓનો દેવ થયો છે.

25 અને હવે, હે યહોવાહ દેવ, જે વચન તેં તારા સેવક વિષે તથા તેના ઘર વિષે ઉચ્ચાર્યું છે,તે સદાને માટે કાયમ કર, ને તારા બોલ્યા પ્રમાણે કર.

26 અને તારૂં નામ સર્વકાળને સારૂ મોટું મનાઓ, ને એમ કહેવાય કે, સૈન્યનો યહોવાહ ઇસ્રાએલનો દેવ છે; ને તારા સેવક દાઉદનું ઘર તારી આગળ સ્થાપિત થશે.

27 કેમકે, હે સૈન્યના યહોવાહ, ઇસ્રાએલના દેવ, તેં તારા સેવકને એવું જાહેર કીધુ છે કે, હું તારૂં ઘર બાંધીશ; એ માટે તારા સેવકે તારી આગળ આ પ્રાર્થના કરવાની હિમ્મત પોતાના હૃદયમાં ધરી છે.

28 અને હવે, હે પ્રભુ યહોવાહ, તું દેવ છે, ને તારા વચનો સત્ય છે, ને આ ઉત્તમ વરદાન વિષે તેં તારા સેવકને વચન આપ્યું છે.

29 તો હવે તારા સેવકનું ઘર તારી આગળ સર્વકાળ ટકે, તે સારૂ હવે કૃપા કરીને તેને આશીર્વાદ દેજે, કેમકે, હે પ્રભુ યહોવાહ, તું તે બોલ્યો છે; ને તારા આશીર્વાદથી તારા સેવકનું ઘર સદા આશીર્વાદિત હોજો.