1 છેલ્લું, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે પ્રભુની વાત વેગે ચાલે ને મહિમાવાન થાય, જેમ તમારે ત્યાં થાય છે તેમ;
2 અને કે અમે અડીએલ તથા દુષ્ટ માણસોથી બચાવ પામીએ; સઘળાને વિશ્વાસ નથી,
3 પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે ને ભુંડાથી બચાવશે.
4 અને તમારા વિષે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ કે, જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.
5 અને દેવના પ્રેમમાં તથા ખ્રીસ્તની ધીરજમાં પ્રભુ તમારાં હૃદયોને લાવો.
6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે હરેક ભાઇ આડો ચાલે છે, ને અમારાથી પામેલા સંપ્રદાય પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે જુદા થાઓ.
7 કેમકે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે જાણો છો; કેમકે અમે તમારામાં આડા ચાલ્યા નહોતા;
8 ને કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભાર ન મુકીએ, માટે રાત દહાડો મહેનત તથા કષ્ટથી કામ કીધું;
9 અમને અધિકાર નથી એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને નમુનારૂપ થઈએ.
10 અને જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ આ અજ્ઞા કીધી કે, જો કોઈ માણસ કામ કરવા ન ઈચ્છે, તો તે ખાય પણ નહિ.
11 કેમકે તમારામાંના કેટલાએક આડાપણાથી ચાલે છે, ને કંઈ કામ કરતા નથી પણ ઘાલમેલ કરે છે એવું સાંભળીએ છીએ.
12 પણ એવાઓને આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તથી આજ્ઞા કરીએ છીએ તથા બોધ કરીએ છીએ કે, તેઓ શાંતિસહિત કામ કરીને પોતાનું અન્ન ખાય.
13 પણ, ભાઈઓ, તમે સારૂં કરતાં થાકશો ના.
14 અને જો કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને, તો તેને ધારી રાખો ને તમે તેની સાથે મળતા ન રહો એ માટે કે તે શરમાય.
15 તોપણ તેને શત્રુ ન ગણો, પણ ભાઈ જાણીને તેને બોધ કરો.
16 હવે શાંતિનો પ્રભુ પોતે સદા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે થાઓ.
17 હું પાઉલનું પોતાને હાથે ક્ષેમ કુશળ, એ નિશાણી સર્વ પત્રમાં છે, એમ હું લખું છું.
18 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તની કૃપા તમ સર્વ પર થાઓ.