1 ખ્રીસ્ત ઇસુમાં જે જીવન છે તેના વચન પ્રમાણે દેવની ઈચ્છાથી ખ્રીસ્ત ઇસુનો પ્રેરિત પાઉલ,

2 વહાલા દીકરા તીમોથીને [લખે છે]; દેવ બાપથી તથા ખ્રીસ્ત ઇસુ આપણા પ્રભુથી કૃપા, દયા, શાંતિ તને થાઓ.

3 દેવ જેને હું મારા બાપદાદાઓથી શુદ્ધ ભાવે ભજું છું, તેની ઉપકાર સ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનામાં રાત દહાડો તું તારું સ્મરણ જાથું રાખું છું.

4 તારાં આંસુ સંભારીને હું તન જોવાને ઘણો ચાહું છું કે આનંદથી ભરપુર થાઉં;

5 કેમકે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં હતો, જે પહેલાં તારી વડીઆઇ લુઇસ, ને તારી મા યુનીકેમાં રહેલો હતો, ને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.

6 માટે હું તને યાદ કરાવું છું કે, જે દેવનું દાન મારા હાથ મુકવાથી તને મળ્યું તેણે તારે જાગૃત કરવું;

7 કેમકે દેવે આપણને બીકનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો નથા સાવધ બુદ્ધિનો આપ્યો છે,

8 માટે આપણા પ્રભુની શાહેદી વિષે, ને હું તેના બંદીવાન વિષે તું ન શરમા, પણ સુવાર્તાને લીધે મારી સાથે દેવના સામર્થ્ય પ્રમાણે દુઃખ ભોગવ;

9 તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેનાજ ઈરાદા તથા કૃપા પ્રમાણે; જે કૃપા અનાદિકાળથી ખ્રીસ્ત ઇસુમાં આપણને આપેલી હતી;

10 પણ આપણા તારનાર ખ્રીસ્ત ઇસુના પ્રગટ થયાથી હમણાં પ્રસિદ્ધ થઇ છે; તેણે મરણને નિરર્થક કીધું, ને સુવાર્તાથી જીવન તથા અમરપણું પ્રકાશિત કીધું છે;

11 તે વિષે હું હલકારો તથા પ્રેરિત તથા શિખવનાર ઠરાવાયો છું.

12 તે કારણ માટે હું એ દુઃખો સહુ છું તોપણ હું શરમાતો નથી, કેમકે જે પર મેં વિશ્વાસ કીધો તેણે હું ઓળખું છું, ને મને ભરોસો છે કે, તેની પાસે મારી અનામતી તે દહાડા સુધી તે રાખી શકે છે.

13 શુદ્ધ વાતનો નમુનો જે તમે મારી પાસેથી સાંભળ્યો તે ખ્રીસ્ત ઇસુના વિશ્વાસ તથા પ્રેમમાં રાખ.

14 તે સારી અનામતી આપણામાં રહેનાર પવિત્ર આત્માથી સંભાળી રાખ.

15 તને માલમ છે કે, આશિયામાંના સઘળીએ મને મુકી દીધો, તેઓમાં ફુગેલસ તથા હેરમોગેનેસ છે.

16 પ્રભુ ઓનેસીફરસના ઘર પર દયા કરો, કેમકે તેણે વારે વારે મને તાજો કીધો, ને મારાં બંધન વિષે શરમાયો નહિ;

17 પણ તે રૂમમાં હતો ત્યારે મહેનતથી મને શોધી કાઢીને મળ્યો.

18 પ્રભુ તેને એવું આપો કે, તે દહાડે પ્રભુ પાસેથી તે દયા પામે; ને એફેસસમાં તેણે કેટલી સેવા કીધી, એ તું સારી પેઠે જાણે છે.