1 હવે કાઈસારીઆમાં કરનેલ્યસ નામે એક માણસ ઇતાલીની કહેવાતી પલટનનો સુબેદાર હતો.

2 તે ધાર્મિક હતો, ને પોતાના ઘરનાં સઘળા માણસો સુદ્ધાં દેવનું ભય રાખતો, ને લોકોને ઘણાં દાન આપતો, ને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો.

3 તેણે દિવસને આસરે ત્રીજા પહોરે દેવના એક દૂતને પોતાની પાસે આવતો, તથા પોતાને, ઓ કરનાલ્યસ, એમ કહેતો દર્શનમાં પ્રત્યક્ષ દીઠો.

4 ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે, પ્રભુ શું છે? ને તેણે કહ્યું કે, તારી પ્રાર્થનાઓ તથા તારા દા દેવની આગળ યાદગીરીને સારૂ પહોંચ્યા છે.

5 અને હવે તું જોપ્પામાં માણસો મોકલીને સીમોન જેનું બીજું નામ પીતર છે તેને તેડાવ.

6 સીમોન ચમાર, જેનું ઘર સમુદ્રકાંઠે છે, તેને ત્યાં તે ઉતાર્યો છે.

7 અને જે દૂત તેની સાથે બોલ્યો હતો, તેના ગયા પછી તેણે પોતાના ઘરના ચાકરોમાંના બેને. તથા જેઓ જાથું તેની તહેનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાઈને બોલાવ્યો.

8 અને તેઓને બધી વાત કહીને તેણે તેઓને જોપ્પામાં મોકલ્યા.

9 હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે પહોંચ્યા, તેવામાં આસરે બપોરને સમયે પીતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ગયો.

10 અને તે ભૂખ્યો થયો, અને તેને ખાવાનું મન થયું; પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મુર્છાંગત થયો;

11 અને આકાશ ઉઘડેલું તથા એક વાસણ મોટી ચાદરના જેવું તેના ચાર ખુણાથી લટકાવેલું ઘરતી પર ઉતરી આવતું તેણે દીઠું.

12 તેમાં પૃથ્વી પરનાં સઘળી જાતનાં ચોપગાં તથા પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ હતાં.

13 અને એવી વાણી [તેના સાંભળવામાં] આવી કે, પીતર, ઉઠ, મારીને ખા.

14 પણ પીતરે કહ્યું કે, પ્રભુ, એમ નહીં, કેમકે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાદી નથી.

15 ત્યારે બીજી વાર [તેના સાંભળવામાં] એવી વાણી આવી કે, દેવે જે શુદ્ધ કીધી છે, તેને તું નાપાક ન ગણ.

16 અને એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યું.

17 હવે પીતર પોતાના મનમાં બહુ ગૂંચવાતો હતો કે, અ જે દર્શન મને થયું તેનો શો અર્થ હશે, એવામાં જુઓ, કરનેલ્યસે મોકલેલા માણસો સીમોનનું ઘર પુછતા પુછતા બારણાં આગળ આવી ઉભા.

18 અને તેઓએ હાંક મારીને પુછ્યું કે, સીમોન જેની અટક પીતર છે તે શું અહિં ઉતરેલો છે?

19 ને પીતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે આત્માએ તેને કહ્યું કે, જો, ત્રણ માણસો તને શોધે છે.

20 માટે તું ઉઠ ને નીચે ઉતરીનેકંઈ સંદેહ આણ્યા વિના તેઓની સાથે જા, કેમકે મેં તેઓને મોકલ્યા છે.

21 ત્યારે પીતર ઉતરીને તે માણસ પાસે ગયો, અને કહ્યું કે, જુઓ, જેને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યો છો?

22 ત્યારે તેઓએ કહ્યું કે, કરનેલ્યસ નામે એક સુબેદાર જે ન્યાયી તથા દેવનું ભય રાખનાર માણસ છે, અને જેને વિષે આખું યહુદી કો સારૂ બોલે છે, તેને પવિત્ર દૂતની મારફતે ચેતવણી મળી કે તે તને પોતાને ઘેર તેડાવીને તારી વાતો સાંભળે.

23 ત્યારે તેણે તેઓને માંહે બોલાવીને પરોણા રાખ્યા. અને બીજા દિવસે તે તેઓની સાથે ગયો, ને જોપ્પામાંના કેટલાક ભાઈઓ તેની સાથે ગયા.

24 અને બીજે દિવસે તેઓ કાઈસારીઆમાં આવી પહોંચ્યા, ને કરનેલ્યસ પોતાનાં સગાંઓને તથા પ્રિય મિત્રોને એકઠાં કરીને તેઓની વાટ જોતો હતો.

25 અને પીતર માંહે આવ્યો ત્યારે કરનેલ્યસ તેને મળ્યો, ને તેને પગે પડીને તેણે દંડવત પ્રણામ કીધાં.

26 પણ પીતરે તેને ઉઠાડતાં કહ્યું કે, ઉભો થા, હું પણ માણસ છું.

27 અને તેની સાથે વાતો કરતો કરતો તે માંહે ગયો, ત્યારે તેણે ઘણાઓને એકઠા થયેલાં દીઠાં;

28 અને તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે, બીજી કોમના માણસ સાથે સબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહુદી માણસને ઉચિત નથી; પણ દેવે to મને દેખાડ્યું છે કે, મારે કોઈ માણસને નાપાક કે અશુદ્ધ કહેવું નહિ.

29 અને તેથીજ જયારે મને તેડાવ્યો, ત્યારે વાંધો લીધા વગર હું આવ્યો; માટે હું પુછુ છું કે, તમે શા કારણથી મને તેડાવ્યો છો?

30 ત્યારે કરનેલ્યસે કહ્યું કે, ચાર દિવસ ઉપર હું આ ઘડી સુધી મારા ઘરમાં ત્રીજા પહોરની પ્રાર્થના કરતો હતો, ત્યારે જુઓ, ચળકતો પોશાક પહેરેલો એક જણ મારી સામા ઉભો રહ્યો,

31 ને બોલ્યો કે, કરનેલ્યસ, તારી પ્રાથના સાંભળવામાં આવી છે, ને તારા દાન દેવની સમક્ષ સ્મરણમાં આવ્યા છે.

32 એ માટે તું જોપ્પામાં માણસ મોકલીને સીમોન જેનું બીજું નામ પીતર છે તેને તારી પાસે તેડાવ, તે સમુદ્રનાં કાંઠે સીમોન ચમારના ઘરમાં ઉતરેલો છે.

33 એ માટે મેં તરત તને તેડાવ્યો, ને તું આવ્યો એ બહુ સારૂ કર્યું. હવે પ્રભુએ જે સર્વ વાતો તને ફરમાવી છે, તે સંભાળવા સારૂ અમે સઘળા અહિં દેવની સમક્ષ હાજર છીએ.

34 ત્યારે પીતરે મ્હો ઉઘાડીને કહ્યું કે, મને ખાતરી થઇ છે કે દેવ પક્ષપાતી નથી.

35 અન હરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.

36 ઇસુ ખ્રિસ્ત (જે સર્વનો પ્રભુ છે) તેની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા [દેવે] ઇસ્રાએલપુત્રોની પાસે જે વાત મોકલી,

37 એટલે જે વાત યોહાને બાપ્તિસમાં પ્રગટ કીધા પછી ગાલીલથી માંડીને આખા યહુદાહમાં જાહેર કરવામાં આવી તે તને પોતે જાણો છો;

38 એટલે કે નાઝરેથના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કીધો; તે ભલું કરતો તથા સેતાનથી જે પીડાતા હતા તેઓ સઘળાને સાજા કરતો ફર્યો; કેમકે દેવ તેની સાથે હતો.

39 તેણે યહુદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કામો કીધાં તે સર્વના અમે સાક્ષી છીએ; તેને વળી તેઓએ લાકડી પર ટાંગીને મારી નાખ્યો.

40 તેને દેવે ત્રીજો દિવસે ઉઠાડ્યો, ને સર્વ લોકોની આગળ નહિ,

41 પણ અગાઉથી દેવના પસંદ કીધેલા સાક્ષીઓ, જેઓએ તેના મુએલામાંથી ઉઠ્યા પછી તેની સાથે ખાધું પીધું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેને પ્રગટ કીધો,

42 અને તેણે અમને અજ્ઞા કીધી કે લોકોને ઉપદેશ કરો, ને સાક્ષી આપો કે દેવે એનેજ જીવતાંઓના તથા મુએલાંઓના ન્યાયાધીશ ઠરાવેલો છે.

43 તેના વિષે સઘળા ભવિષ્યવાદીઓ સાક્ષી આપે છ કે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તે તેના નામથી પાપની માફી પામશે.

44 પીતરે એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તે સર્વ ઉપર પવિત્ર આત્મા ઉતર્યા.

45 ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઇને] સુનતીઓમાંના જે વિશ્વાસીઓ પીતરની સાથે આવ્યા હતા તે સર્વ વિસ્મય પામ્યા;

46 કેમકે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા, તથા દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા.

47 ત્યારે પિતરે ઉત્તર આપ્યો કે, આપણી પેઠે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓનું બાપ્તિસમાં અટકાવવાને પાણીની માંના કોણ કરી શકે?

48 અને ઇસુ ખ્રીસ્તને નામે તેઓને બાપ્તિસમાં આપવાની તેણે આજ્ઞા કીધી, પછી કેટલાએક દિવસ [ત્યાં] રહેવાની તેઓએ તેને વિનંતી કીધી.