1 અને ઇબ્રાહીમે ફરી બાયડી કીધી, કે જેનું નામ કટૂરાહ હતું.
2 અને તેને તેણીને પેટે ઝીમ્રાન તથા યોક્શાન તથા મદાન તથા મિદ્યાન તથા યીશ્બાક તથા શુઆહ, એ દીકરા થયા.
3 અને યોક્શાનથી શબા તથા દદાન થયા, ને આશૂરીમ તથા લટ્શીમ તથા લઉમીમ એ દદાનના દીકરા હતા;
4 ને એફાહ તથા એફેર તથા હનોખ તથા અબીદા તથા એલ્દાઆહ એ મીદ્યાનના દીકરા; એ સર્વ કટૂરાહના ફરજન હતા.
5 અને ઇબ્રાહીમે પોતાનું જે સર્વ હતું, તે ઇસ્હાકને આપ્યું.
6 પણ ઈબ્રાહીમની ઉપપત્નીના દીકરાઓને ઇબ્રાહીમે કંઈ બક્ષીસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દીકરા ઇસ્હાક પાસેથી પૂર્વ ગામના દેશમાં મોકલી દીધા.
7 અને ઇબ્રાહીમે જે આયુષ્ય ભોગવ્યું તેના વર્ષ એક સૌ પંચોત્તેર હર્ષ હતા.
8 ત્યાર પછી ઇબ્રાહીમે પ્રાણ મુક્યો, અને ઘરડો તથા પાકી વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.
9 અને તેના દીકરા ઇસ્હાકે તથા ઈશ્માએલે માખ્પેલાહની ગુફામા, એટલે મામ્રેની સામે સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં તેને દાટ્યો.
10 હેથના દીકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહીમે વેચાતું લીધું હતું, તેમાં ઈબ્રાહીમ તથા તેની બાયડી સારાહ દટાયાં.
11 અને એમ થયું કે ઈબ્રાહીમના મુઆ પછી તેના દીકરા ઇસ્હાકને દેવે આશીર્વાદ દીધો, ને ઇસ્હાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
12 હવે ઇબ્રાહીમનો દીકરો ઈશ્માએલ જે સારહની દાસી હાગાર મિસરીને પેટે ઇબ્રાહીમથી જન્મ્યો હતો, તેની વંશાવળી.
13 અને ઈશ્માંએલના દીકરાઓના નામ પોતપોતાના નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે, એટલે ઈશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબએલ તથા મીબ્સામ,
14 ને મિશ્મા તથા દુમાહ તથા માસ્સા,
15 ને હદાદ તથા તેમા તથા યટુર તથા નાફીશ તથા કેદમાહ.
16 ઈશ્માએલના દીકરા એ, ને તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં, અને તેઓનાં કુળોના બાર સરદારો હતા.
17 અને ઈશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો સાડત્રીસ હતાં; ને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો.
18 અને હવીલાહથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર લગી તેઓ વસ્યા હતા, ને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.
19 અને ઈબ્રાહીમના દીકરા ઇસ્હાકની વંશાવળી આ છે; ઇબ્રાહીમથી ઇસ્હાક થયો.
20 અને ઇસ્હાક અરામી લાબાનની બહેન પાદ્દ્નારામના અરામી બેથૂએલની દીકરી રિબકાહ સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
21 ને ઇસ્હાકની બાયડી વાંઝણી હતી માટે તેને તેને સારૂ યહોવાહની પ્રાર્થના કીધી. અને યહોવાહે તે પ્રાર્થના માન્ય કીધી, ને તેની બાયડી રિબકાહ ગર્ભવતી થઇ.
22 અને છોકરાએ તેના પેટમાં બઝાબાઝ કીધી, ને તેણે કહ્યું, જો એમ છે, તો હું કેમ જીવતી છે? તે યહોવાહને પૂછવાને ગઈ.
23 અને યહોવાહે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટથીજ બે પ્રજાઓ ભિન્ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે, ને વડો નાનો દાસ થશે.”
24 અને તેને જણવાના દહાડા પુરા થયા, ત્યારે જુઓ, તેના પેટમાં જોળ હતી.
25 અને પહેલો લાલ નીકળ્યો, તે તમામ રૂઆંટીવાળા લૂગડા સરખો હતો, ને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું.
26 ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો, ને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું; ને તે તેઓને જણી, ત્યારે ઇસ્હાક સાઠ વર્ષનો હતો.
27 અને તે છોકરા મોટા થયા, ને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુંવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો.
28 હવે ઇસ્હાક એસાવ પર પ્રીતિ કરતો હતો, કેમકે તેનો શિકાર તે ખાતો હતો; પણ રિબકાહ યાકૂબ પર પ્રીતિ કરતી હતી.
29 હવે યાકૂબે શાક રાંધ્યું હતું, એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો.
30 અને એસાવ વિનંતી કરીને યાકૂબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમકે હું નિર્ગત થયો છું; માટે તેનું નામ અદોમ કહેવાયું.
31 અને યાકૂબે કહ્યું, આજ તું પોતાનું જ્યેષ્ઠપણું અને વેચાતું આપ.
32 અને એસાવે કહ્યું કે, જો, હું મરવા પડ્યો છું, ને એ જ્યેષ્ઠપણું મને શા કામમાં આવવાનું?
33 ને યાકૂબે કહ્યું, આજે મારી આગળ સમ ખા; ને તેણે તેની આગળ સમ ખાધા; ને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેંચી દીધું.
34 અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યા; ને તેણે ખાધું પીધું, ને ઉઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું.