1 અને યુસફને મિસરમાં આણ્યો; ને ત્યાં જે ઈશ્માએલીઓ તેને લઈને ઉતારી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી જે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો તેણે તેને વેચાતો લીધો.

2 અને યહોવાહ યુસફની સાથે હતો; ને તે ભાગ્યવાન હતો; ને તે પોતાના ઘણીના એટલે તે મિસરીના ઘરમાં રહ્યો.

3 અને તેના ઘણીએ જોયું, કે તેની સાથે યહોવાહ છે, ને તે જે કંઈ કરે છે તે તેના હાથમાં યહોવાહ સફળ કરે છે.

4 અને યુસફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો; ને તેણે તેની સેવા કીધી; ને તેણે તેને પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો; ને પોતાનું જે સર્વ હતું તે તેના હાથમાં સોંપ્યું.

5 અને એમ થયું, કે તેણે પોતાના ઘરનો તથા પોતાની સર્વ મિલ્કતનો કારભારી તેને ઠરાવ્યો હતો, ત્યારથી યહોવાહે યુસફ્ને લીધે તે મિસરીના ઘરને આશીર્વાદ દીધો; ને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાહનો આશીર્વાદ હતો.

6 અને તેણે પોતાનું જે સર્વ તેનું હતું તે યુસફના હાથમાં સોંપ્યું, ને તે જે અન્ન ખાતો તે વિના પોતાનું શું છે, એ કંઈ પણ તે જાણતો નહોતો. અને યુસફ સુંદર તથા રૂપાળો હતો.

7 અને ત્યાર પછી એમ થયું, કે તેના ઘણીની બાયડીએ યુસફ પર કુદૃષ્ટિ કરી, ને કહ્યું, મારી સાથે સુ.

8 પણ તેણે ના કહી, ને પોતાના ઘણીની બાયડીને કહ્યું, જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો ઘણી જાણતો નથી; ને તેણે પોતાનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.

9 આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી; ને તેણે તારા વિના બીજું કંઇજ મારાથી પાછુ રાખ્યું નથી; કેમકે તું તેની બાયડી છે; માટે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં?

10 ને એમ થયું, કે રોજ રોજ તે યુસફ્ને એમ કહેતી હતી; પણ તેણે તેની સાથે સુવા વિષે તથા તેની પાસે રહેવા વિષે તેનું કહેવું સાંભળ્યું નહિ.

11 અને આસરે તે સમયે એમ થયું, કે યુસફ પોતાના કામ કરવાને ઘરમાં ગયો, ને ઘરનું કોઈ માણસ ઘરમાં ન હતું.

12 ત્યારે તેણીએ તેનું વસ્ત્ર પકડ્યું, ને કહ્યું, મારી સાથે સુ; પણ તે પોતાની વસ્ત્ર તેના હાથ્માંમુકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો.

13 અને એમ થયું કે જયારે તેણે જોયું, કે તે પોતાની વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને ભાર્નાસી ગયો છે,

14 ત્યારે તેણે પોતાના ઘરમાંનાં માણસોને બોલાવ્યાં, ને તેઓને કહ્યું, જુઓ, આપણું અપમાન કરવાને તેણે આ હેબ્રી માણસને આપણી પાસે આણ્યો છે; ને તે મારી સાથે સુવાને મારે પાસે આવ્યો, ને મેં મોટે સાદે બૂમ પાડી.

15 અને એમ થયું કે મેં મોટે સાદે બૂમ પાડી, એ તેણે સાંભળ્યું, ત્યારે પોતાનું વસ્ત્ર મારી પાસે મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો.

16 અને તેનો ઘણી ઘરમાં આવ્યા સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખ્યું.

17 અને તેણે તેને એ પ્રમાણે કહ્યું કે, આ હેબ્રી દાસ જેને તું આપણે ત્યાં લાવ્યો છે, તે મારું અપમાન કરવાને પારી પાસે આવ્યો હતો.

18 અને એમ થયું કે મેં હાંક મારીને બૂમ પાડી, ત્યારે તે પોતાનું વસ્ત્ર મારી પાસે મૂકી દઈને નાસી ગયો.

19 અને એમ થયું કે જયારે તેના ઘણીએ પોતાની બાયડીની કહેલી વાત સાંભળી, કે તારા દાસે મને એમ કીધું, ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો.

20 અને યુસફના ઘણીએ તેને પકડ્યો, ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા, તે કેદખાનામાં તેણે તેને નાખ્યો; ને તે ત્યાં કેદખાનામાં રહ્યો.

21 પણ યહોવાહ યુસફની સાથે હતો, ને તેણે તેના પર દયા કીધી, ને તેને કેદખાનાના દરોગાની દ્રષ્ટિમાં કૃપા પમાડી.

22 અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસફના હાથમાં સોપ્યા; ને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તેજ હતો.

23 અને તે કેદખાનાનો દરોગો તેના હાથના કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહિ, કેમકે યહોવાહ તેની સાથે હતો; ને તેણે જે કંઈ કામ કર્યું તેમાં યહોવાહે તેને ફતેહ પમાડી.