2 ને તેં યરેખોને ને તેના રાજાને કર્યું, તેમ આયને ને તેના રાજાને તું કરજે; પણ તેનો માલ ને તેના ઢોર તમે પોતાને સારૂ લૂટી લેજો; નગરની પાછળ માણસોને સંતાડી રાખજે.
3 એ માટે આય ઉપર ચઢાઈ કરવાને યહોશુઆ સર્વ લડવૈયા લોક સુદ્ધાં ઉઠ્યો, ને યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચુંટી કાઢીને તેઓને રાત્રે મોકલ્યા.
4 અને તેણે તેઓને એવી આજ્ઞા આપી કે, જુઓ, નગર લેવા સારૂ તમે તેની પાછળ સંતાઈ રહેજો, નગરથી ઘણે દૂર જશો મા, પણ સર્વ તૈયાર રહેજો;
5 ને હું ને મારી સાથેના સર્વ લોક નગર પાસે આવીશું; અને તેઓ પહેલાંની પેઠે અમારી સામા બહાર ઘસી આવશે, ત્યારે એમ થશે કે, અમે તેઓની આગળથી નાસીશું;
6 અને અમારી પાછળ લાગવાને તેઓ બહાર આવશે, અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું; કેમકે તેઓ કહેશે કે એઓ પહેલાંની પેઠે અમારી આગળથી નાસે છે; માટે અને તેઓની આગળથી નાસીશું;
7 અને તમે સંતાવાની જગ્યાએથી ઉઠીને નગરને કબજે કરજો; કેમકે તમારો દેવ યહોવાહ તમારા હાથમાં તે આપશે
8 અને એમ થાય કે, નગર કબજો કર્યા પછી તમારે નગરને આગ લગાડવી, યહોવાહના કર્યા પ્રમાણે તમારે કરવું; જુઓ, મેં તમને આજ્ઞા આપી છે.
9 અને યહોશુઆએ તેઓને મોકલ્યા; અને તેઓ સંતાઈ રહેવા સારૂ બેથેલ ને આયની વચ્ચે, આયની પશ્ચિમ ગમ, જઇને રહ્યા; પણ યહોશુઆ લોકો મધ્યે તે રાત રહ્યો.
10 અને સવારે વહેલા ઉઠીને યહોશુઆએ લોકોની હાજરી લીધી, ને તે ઇસ્રાએલના વડીલો સુદ્ધાં લોકોને મોખરે આય ગયો.
11 અને તેની સાથે જે લડવૈયા લોક હતા, તેઓ પણ સર્વ ચઢ્યા, ને પાસે જઇને નગર આગળ આવ્યા, અને તેઓએ આયની ઉત્તર બાજુએ છાવણી કીધી; હવે તેની ને આયની વચ્ચે ખીણ હતી.
12 અને તેણે આસરે પાંચ હજાર માણસોને લીધા, અને બેથેલ ને આયની વચ્ચે આયની પશ્ચિમ બાજુએ તેઓને સંતાડ્યા.
13 નગરની ઉત્તરે જે આખું સૈન્ય હતું તે, તથા તેઓમાંના સંતાઈ રહેનારા જે નગરની પશ્ચિમે હતા તે લોકોને તેઓએ એ પ્રમાણે ગોઠવ્યા; અને યહોશુઆ તે રાતે તે ખીણની મધ્યે ગયો.
14 અને આયના રાજાએ તે જોયું, ત્યારે એવું થયું કે, નગરના માણસો ઉતાવળ કરીને વહેલા ઉઠ્યા, ને તે તથા તેના સર્વ લોકો એવું થયું કે, નગરના માણસો ઉતાવળ કરીને વહેલા ઉઠ્યા, ને તે તથા તેના સર્વ લોકો ઇસ્રાએલ સાથે લડવાને નિમેલે વખતે અરાબાહ આગળ બહાર નિકળી આવ્યા; પણ નગરની પાછળ પોતાની વિરુદ્ધ સંતાઈ રહેલા માણસો છે, એ તે જાણતો નહોતો.
15 અને યહોશુઆ તથા સર્વ ઇસ્રાએલ એઓની આગળ પરાજિત થવાનું ડોળ દેખાડીને, રાનને માર્ગે નાઠા.
16 અને તેઓની પાછળ લાગવા સારૂ નગરના સર્વ લોકને બોલાવી ભેગા કીધા, ને યહોશુઆની પાછળ લાગતા તેઓ નગરથી દૂર ખેંચાયા.
17 એ માટે ઇસ્રાએલની પાછળ લાગ્યા વગરનો એકે પુરૂષ આયમાં કે બેથેલમાં રહ્યો નહિ; ને નગર નિરાશ્રિત મુકીને તેઓ ઇસ્રાએલની પાછળ લાગ્યા.
18 અને યહોવાહે યહોશુઆને કહ્યું,તારો હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર; કેમકે હું તેને તારાં હાથમાં આપીશ. અને યહોશુઆએ પોતાના હાથમાંનો ભાલો નગર તરફ લાંબો કીધો.
19 અને તેણે પોતાનો હાથ લાંબો કીધો કે તરતજ સંતાઈ રહેલા માણસો ઉતાવળથી પોતાની જગ્યાએથી ઉઠીને દોડ્યા, ને તેઓએ નગરમાં જઇને તે લીધું; ને જલદીથી તેઓ નગરને આગ લગાડી.
20 અને આયના માણસોએ પોતાની પાછળ જોયું, તો જુઓ, નગરનો ધુમાડો ગગનમાં ચઢતો હતો, ને આમ કે તેમ નાસવાને તેઓમાં શક્તિ રહી નહિ; એટલામાં રાનની ગમ જે લોકો નાસતા હતા. તેઓ પાછા વળીને પોતાની પાછળ લાગનારાઓ પર ઘસ્યા.
21 અને સંતાએલાઓએ નગર લીધું છે, ને નગરનો ધુમાડો ચઢેલો છે, એવું યહોશુઆએ ને સર્વ ઇસ્રાએલે જોયું, ત્યારે તેઓએ પણ ફરીને આયના માણસોને કતલ કીધા.
22 અને બીજાઓ તેઓની સામે નગરમાંથી ઘસી આવ્યા; અને તેઓ ઇસ્રાએલની વચ્ચે સપડાયા, કેટલાએક આણી ગમ ને કેટલાએક તેણી ગમ હતા; અને તેઓએ તેઓને એવા માર્યા કે તેમાંથી તેઓએ એકેને બચી જવા કે નાસી જવા દીધો નહિ.
23 અને તેઓએ અને તેઓએ આયના રાજાને જીવતો પકડીને યહોશુઆ પાસે આણ્યો.
24 અને રણક્ષેત્રમાં, એટલે જે અરણ્યમાં તેઓ એઓની પૂઠે લાગીને ગયા હતા, તેમાં આયના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાનું કામ ઇસ્રાએલે પુરૂં કર્યું, અને તરવારની ધારથી કપાઈને તેઓનો લય થયો, ત્યારે એમ થયું કે, સઘળાં ઇસ્રાએલ આયમાં પાછા આવ્યા, અણ તેને તરવારની ધારથી માર્યું.
25 અને તે દિવસે પુરૂષો ને સ્ત્રીઓ સર્વ મળીને બાર હજાર, એટલે આયના સર્વ માણસો પડ્યાં.
26 કેમકે યહોશુઆએ આયનો સર્વ રહેવાસીઓનો વિનાશ કીધો ત્યાં સુધી, જે હાથે તે ભાલો લાંબો કરી રહ્યો હતો, તે હાથ પાછો ખેંચી લીધો નહિ.
27 કેવળ જે આજ્ઞા યહોવાહે યહોશુઆને ફરમાવી હતી, તે મુજબ નગરના ઢોર અને માલ ઇસ્રાએલે પોતાને વાસ્તે લુટી લીધાં.
28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, એટલે આજ સુધીનું વેરાન [કીધું].
29 અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડે ટાંગ્યો; ને સૂર્યાસ્ત થયો ત્યારે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લોથ ઝાડ ઉપરથી ઉતારીને નગરના દરવાજાના નાકામાં નાખી, ને તેના પર પત્થરનો મોટો ઢગલો કીધો, તે આજ સુધી છે.
30 ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇસ્રાએલના દેવ યહોવાહને સારૂ વેદી બાંધી;
31 યહોવાહના સેવક મુસાએ ઇસ્રાએલપુત્રોને જે આજ્ઞા આપી હતી, અને મુસાના નિયમશાસ્ત્ર પુસ્તકમાં જેમ લખેલું છે, તે પ્રમાણે વેદી અખંડિત પત્થર, જેનાં પર કોઇ માણસે લોઢું કદી ઉગામ્યું નહોતું, એવી હતી; અને તેઓએ તેના પર યહોવાહને સારૂ દહનીયાર્પણ કીધાં, શાંત્યર્પણા યજ્ઞ કીધાં.
32 અને ત્યાં તેણે તે પત્થરો ઉપર મુસાના નિયમશાસ્ત્રની પ્રત લખી; અને ઇસ્રાએલપુત્રીની સમક્ષ તેણે તે લખી.
33 અને સર્વ ઇસ્રાએલ, ને તેઓના વડીલો તથા અધિકારીઓ, ને તેઓના ન્યાયધીશો, એતદૃશી તેમજ પરદેશી પણ, યહોવાહના કરારકોષને ઉંચકનારા લેવી યાજકોની આગળ, કોષની આણી ગમ ને પેલી ગમ ઉભા રહ્યા; તેઓમાંના અર્ધા ગરીઝીમ પર્વતની સામે અને અર્ધા એબાલ પર્વતની સામે, યહોવાહના સેવક મુસાએ પહેલવહેલાં ઇસ્રાએલ લોકોને આશીર્વાદ આપવા વિષે તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઉભા રહ્યા.
34 અને ત્યાર પછી તેણે નિયમશાસ્ત્રના સર્વ વચનો, એટલે આશીર્વાદ અને શ્રાપવચન, નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલાં છે, તે પ્રમાણે સઘળાં વાંચી સંભળાવ્યા.
35 મુસાએ જે સઘળી આજ્ઞા આપી હતી તે યહોશુઆએ ઇસ્રાએલની આખી સભા આગળ, તથા સ્ત્રીઓ તથા બાળકો તથા જે પરદેશોઓ તેઓની સાથે વ્યવહાર રાખતા હતા તેઓની આગળ, એક પણ શબ્દ બાકી રાખ્યા વિના વાંચી સંભળાવી.