2 અને દાનપુત્રોએ પોતાના કુટુંબના સઘળાં માણસોમાંથી પાંચ શૂરવીર પુરૂષોને સોરાહ તથા એશ્તાઓલથી, દેશની જાસુસી કરવા, તથા તપાસ કરવા સારૂ, મોકલ્યા; અને તેઓએ તેઓને કહ્યું કે, જઈને દેશની તપાસ કરો; અને તેઓએ એફ્રાઈમના પહાડી મુલકમાં મીખાહને ઘેર આવીને ત્યાં ઉતારો કીધો.

3 જયારે તેઓ મીખાહના ઘરની નજીક આવ્યા, ત્યારે તેઓએ તે જુવાન લેવીનો સાદ ઓળખ્યો; અને તેઓ વળીને ત્યાં ગયા, અને તેને કહ્યું કે, તને અહીં કોણ લઇ આવ્યું? ને અહીં તું શું કરે છે? અને અહીં તને શું મળે છે?

4 અને તેણે તેઓને કહ્યું કે, મીખાહે મારે વાસ્તે ફલાણું ફલાણું કર્યું છે, અને તેણે મને પગાર પઠીને રાખ્યો છે, અને હું તેનો યાજક થયો છું.

5 અને તેઓએ તેને કહ્યું કે, કૃપા કરીને દેવની સલાહ પુછ, એ માટે કે અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે આબાદ નિવડશે કે નહિ.

6 અને યાજકે તેઓને કહ્યું કે, શાંતિએ ચાલ્યા જાઓ; જે રસ્તે તમે જાઓ છો તે યહોવાહની સમ્મુખ છે.

7 ત્યારે તે પાંચ માણસ વિદાય થયા, ને લાઈશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયાં, કે તેઓ બીક વગર રહેતા હતા, તથા સીદોનીઓની પેઠે શાંત તથા નિર્ભય હતા; કેમકે કશામાં તેઓને શરમાવે એવો કોઇ હાકેમ તે દેશમાં નહોતો, ને તેઓ સીદોનીઓથી વેગળા હતા, ને કોઇ સાથે તેઓને કંઈ વ્યવહાર નહોતો.

8 અને તેઓ સોરાહ તથા એશ્તાઓલમાં પોતાના ભાઈઓ પાસે આવ્યા; ને તેઓના ભાઈઓએ તેઓને કહ્યું, તમે શું [કહો છો]?

9 ને તેઓએ કહ્યું, ઉઠો, ને આપણે તેમના ઉપર ચઢાઇ કરીએ; કેમકે અમે તે દેશ જોયો છે, ને, જુઓ, તે ઘણો સારો છે; તેમ છતાં તમે ગુપચુપ [બેસી કેમ રહ્યા છો]? જઈને દેશમાં પ્રવેશ કરીને તેનો કબજો લેવામાં આળસ ન કરો.

10 તમે જશો, ત્યારે નિર્ભય લોક મધ્યે તમે આવશો, ને તે દેશ વિશાળ છે; કેમકે દેવે તે તમારા હાથમાં આપ્યો છે; પૃથ્વીમાં જજે જે વસ્તુઓ છે તેઓમાંથી કશાની ખોટ વગરની જગ્યા તે છે.

11 અને સોરાહ તથા એશ્તાઓલમાંથી દાનના કુટુંબના છસેં માણસ યુદ્ધશસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નિકળ્યા.

12 અને તેઓ ગયા, ને યહુદાહમાંના કીર્યાથ-યઆરીમમાં તેઓએ છાવણી કરી; એ માટે આજ સુધી તેઓએ તે જગ્યાનું નામ માહનેહ-દાન પાડ્યું; જુઓ, તે કીર્યાથ-યઆરીમની પાછળ છે.

13 અને તેઓ ત્યાંથી એફ્રાઈમના પહાડી મુલકમાં ગયા, અને મીખાહને ઘેર આવ્યા,

14 અને જે પાંચ માણસ લાઈશના દેશની જાસુસી કરવાને ગયા હતા, તેઓએ ઉત્તર આપીને પોતાના ભાઈઓને કહ્યું, શું તમે જાણો છો કે, આ ઘરોમાં એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? માટે હવે તમારે શું કરવો તેનો વિચાર કરો.

15 અને તેઓ તેણી ગણ વળીને તે જુવાન લેવીના ઘરમાં ગયા, એટલે મીખાહને ઘેર આવ્યા, ને તેઓએ તેને ક્ષેમકુશળ પુછ્યા.

16 અને દાનપુત્રોમાંના છસેં માણસો જેઓ યુદ્ધશસ્ત્ર સજેલા હતા, તેઓ દરવાજાના નાકામાં ઉભા રહ્યા.

17 અને જે પાંચ માણસ દેશની જાસુસી કરવાને ગયા હતા, તેઓએ જઈને ત્યાં પેસીને, તે કોરેલી મૂર્તિ તથા એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લીધાં; ને યુદ્ધશસ્ત્ર સજેલા પેલા છસેં માણસોની સાથે દરવાજાના નાકા પાસે યાજક ઉભો રહેલો હતો.

18 અને એઓ મીખાહના ઘરમાં ગયા, ને કોરેલી મૂર્તિ, એફોદ, તથા તરાફીમ, તથા ગાળેલી મૂર્તિ લઇ આવ્યા, ત્યારે યાજકે તેઓને કહ્યું, તમે શું કરો છો?

19 અને તેઓએ તેને કહ્યું, ચુપ રહે, તારા મુખ પર તારો હાથ મુક, ને અમારી સાથે આવીને અમારો બાપ તથા યાજક થા; એક માણસનો ઘરના યાજક થવું તે, કે ઇસ્રાએલના એક કુળનો તથા કુટુંબનો યાજક થવું તે, તારે માટે વધારે સારૂ છે?

20 ને યાજકનું દિલ ખુશ થયું, ને એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ લઈને તે તે લોકો મધ્યે ગયો.

21 એમ તેઓ પાછા ફર્યા ને ચાલ્યા ગયા, ને છોકરાં તથા ઢોર તથા માલમિલકત પોતાની આગળ રાખ્યા.

22 તેઓ મીખાહના ઘરથી ઘણે દૂર પહોંચ્યા, ત્યારે મીખાહના ઘરની પાસેનાં ઘરોના માણસોએ એકઠા થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.

23 અને તેઓએ દાનપુત્રોને હાંક મારી. અને તેઓએ મુખ ફેરવીને મીખાહને કહ્યું, તને શી ઇજા થઇ છે, કે તું આવી ટોળી લઈને આવે છે?

24 અને તેણે કહ્યું, તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા યાજકને લઈને આવતા રહ્યા છો, ને મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં તમે મને કેમ કહો છો કે, તને શું ઇજા થઇ છે?

25 અને દાનપુત્રોએ તેને કહ્યું, તારો સાદ અમારામાં સંભળાવા ન દે, રખે બળી રહેલા મનવાળા માણસો તારા પર તુટી પડે, ને તું પોતાના જીવ તથા તારા ઘરનાંનો જીવ ખોય.

26 અને દાનપુત્રોએ પોતાનો રસ્તો પકડ્યો; ને મીખાહે જોયું કે તેઓ તેના ગાંજ્યા જાય એવા નથી, ત્યારે તે પાછો વળીને પોતાને ઘેર ગયો.

27 અને તેઓએ મીખાહની બનાન્વેલી વસ્તુઓ તથા તેના યાજકને લઈને લાઈશમાં શાંત તથા નિર્ભય લોકોની પાસે આવીને, તેઓને તરવારની ધારથી માર્યા; ને નગરને અગ્નિથી બાળ્યું.

28 અને તેની વહારે ચઢનાર કોઇ નહોતું, કેમકે સીદોનથી તે આધું હતું, ને તેઓને કોઇની સાથે કંઈ વ્યવહાર ન હતો. અને બેથ-રહોબની પાસેના મેદાનમાં એ હતું. અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા.

29 અને ઇસ્રાએલને પેટે જન્મેલા પોતાના પૂર્વજ દાનના નામ પ્રમાણે, તેઓને તેનું નામ દાન પાડ્યું; પણ પહેલાં તે નગરનું નામ લાઈશ હતું.

30 અને દાનપુત્રોએ પોતાને વાસ્તે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કીધી; ને દેશની ગુલામગિરીના દિવસ સુધી મુસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના યાજક હતા.

31 અને જ્યાં સુધી દેવનું ઘર શીલોહમાં રહ્યું તે બધા વખત સુધી તેઓએ મીખાહની બનાવેલી કોરેલી મૂર્તિને પોતાને સારૂ સ્થાપિત કરી રાખી.