1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું.

2 અને તેને શી રીતે મારી નાખવો, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમકે તેઓ લોકથી બીતા હતા.

3 અને યહુદા જે ઇસકારીઓત કહેવાતો હતો, જે બારમાંનો એક હતો, તેમાં શેતાન પેઠો.

4 અને તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેણે શી રીતે સ્વાધીન કરવો, તે સંબંધી તેઓની સાથે મસલત કીધી.

5 અને તેઓ ખુશ થયા, ને તેને પૈસા આપવાનું વચન આપ્યું;

6 ને તેણે કબૂલ કીધું, ને લોકો હાજર ન હોય ત્યારે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાગ શોધ્યો.

7 અને બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ.

8 અને તેણે પીતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, જઈને આપણે સારું પાસ્ખા સિદ્ધ કરો કે આપણે ખાઈએ.

9 ને તેઓએ તેણે કહ્યું કે, અમે ક્યાં સિદ્ધ કરીએ એ વિષે તારી શી ઈચ્છા છે?

10 ને તેણે તેઓને કહ્યું કે, જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીની ગાગેર લઈને એક પુરુષ સામો મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.

11 અને ઘરનાં ઘણીને કહેજો કે, ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?

12 ને તે તમને સરસામાન સહિતની એક મોટી મેડી દેખાડશે, ત્યાં તૈયાર કરો.

13 અને તેઓ ગયા ને જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, ને તેઓએ પાસ્ખા તૈયાર કીધું.

14 અને વખત થયો ત્યારે તે બેઠો, તથા બાર પ્રેરીતો તેની સાથે બેઠા.

15 અને તેણે તેઓને કહ્યું કે, [મરણ] સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઈચ્છા હતી.

16 કેમકે હું તમને કહું છું કે, દેવના રાજ્યમાં તે પુરું થાય ત્યાં લગી હું તે ફરી ખાઈશ નહિ.

17 અને તેણે વાટકો લઈને સ્તુતિ કરીને કહ્યું કે, આ લો, ન માહોમાંહે વહેંચો.

18 કેમકે હું તમને કહું છું કે, દેવનું રાજ્ય આવે ત્યાં લગી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.

19 અને તેણે રોટલી કીને સ્તુતિ કરીને ભાંગી, ને તેઓને આપીને કહ્યું કે, આ મારું શરીર છે જે તમારે સારૂ આપવામાં આવે છે, મારી યાદગારીમાં આ કરો.

20 અને તે પ્રમાણે વાળું કર્યા પછી તેણે વાટકો લઈને કહ્યું કે, આ વાટકો તમારે સારૂ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.

21 પણ જુઓ, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.

22 માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરસ્વાધીન કરાય છે તેને અફસોસ છે!

23 અને તેઓ માહોમાંહે પુછપરછ કરવા લાગ્યા, કે આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?

24 ને આપણામાં કોણ મોટા ગણાય છે તે સંબધી પણ તેઓમાં વાદવિવાદ શરુ થયો.

25 અને તેણે તેઓને કહ્યું કે, વિદેશીઓના રજાઓ તેમના પર ઘણીપણું કરે છે; ને જેઓ તેમના પર અધિકાર કરે છે તેઓ પરોપકારી કહેવાય છે.

26 પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો તે નાના જેવો થવું, ને જે આગેવાન તેણે સેવા કરનારના જેવા થવું.

27 કેમકે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર [મોટો] નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.

28 પણ મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તે તમે છો.

29 અને જેમ મારા બાપે મને [રાજ્ય] ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;

30 કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇસ્રાએલનાં બાર કુળોનો ન્યાય ઠરાવતાં રાજ્યાસન પર બેસશો.

31 સીમોન, સીમોન, જો, શેતાને તને ઘઉંની પેઠે ચાળવા સારૂ તને [કબજે લેવા] માગ્યો.

32 પણ મેં તારે સારૂ વિનતી કીધી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; ને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.

33 અને તેણે તેણે કહ્યું કે, પ્રભુ, હું તારી સાથે બંદીખાનામાં જવા તથા મારવા પણ તૈયાર છું.

34 અને તેણે કહ્યું કે, પીતર, હું તને કહું છું કે, આજ મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ [કહીને] તું ત્રણ વાર મારો નકાર કરશે.

35 અને તેણે તેઓને કહ્યું કે, જયારે થેલી તથા જોણ્ણું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી? ને તેઓએ કહ્યું કે, કશાની નહિ.

36 ત્યારે તેણે તેઓને કહ્યું, પણ હમણાં જેની પાસે થેલી હોય તે રાખે, ને જોણ્ણું પણ રાખે, ને જેની પાસે તરવાર નહિ હોય તે પોતાનું લુગડું વેચીને [તરવાર] રાખે.

37 કેમકે હું તમને કહું છું કે, તે અપરાધીઓની સાથે ગણાયો, એ જે લખેલું તે મારામાં હજી પુરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પુરી થાય છે.

38 અને તેઓએ કહ્યું કે, પ્રભુ, જો આ બે તરવાર રહી; ને તેણે તેઓને કહ્યું કે, એ બસ છે.

39 અને તે બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયો; ને શિષ્યો પણ તેની પાછળ ગયા.

40 અને તે તે ઠેકાણે આવ્યો, ત્યારે તેણે તેઓને કહ્યું કે, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.

41 અને આસરે પત્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી ગયો, ને ઘૂંટણ ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે,

42 હે બાપ, જો તારી ઈચ્છા હોય, તો આ વાટકો મારાથી દૂર કર, તોપણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.

43 અને તેણે બળ આપતો આકાશથી એક દૂત તેણે દેખાયો.

44 અને તેણે કષ્ટિત થઈને વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, ને તેનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.

45 અને પ્રાર્થના કરી ઉઠીને તે પોતાના શિષ્યોની પાસે આવ્યો, ત્યારે તેઓને શોકને લીધે ઉઘેલા દીઠા,

46 ને તેણે તેઓને કહ્યું કે, કેમ ઉંઘો છો? ઉઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.

47 અને તે હજી બોલતો હતો એટલામાં, જુઓ, ઘણા લોક આવ્યા, અને યહુદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; ને તે ઈસુને ચુંબન કરવા સારૂ તેની પાસે આવ્યો.

48 પણ ઇસુ તેને કહ્યું, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે?

49 ને જેઓ તેની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઇને તેણે કહ્યું, પ્રભુ, અમે તરવારથી મારીએ શું?

50 ને તેઓમાંનો એકે મુખ્ય યાજકના ચાકરને ઝટકો માર્યો, ને તેનો જમણો કાન કાપી નાખ્યો.

51 પણ ઇસુએ ઉત્તર આપતા કહ્યું કે, આટલું થવા દો. અને તેણે તેના કાનને અડકીને તેને સારો કીધો.

52 અને જે મુખ્ય યાજકો તથા મંદિરના સરદારો તથા વડીલો તેની સામે આવ્યા હતા, તેઓને ઇસુએ કહ્યું, જેમ લુટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું?

53 હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા; પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે.

54 અને તેઓ તેણે પકડીને લઇ ગયા, ને મુખ્ય યાજકના ઘરમાં તેણે લાવ્યા. પણ પીતર છેટે રહીને તેની પાછળ પાછળ ચાલતો હતો.

55 અને ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ એકઠા બેઠા ત્યારે પીતર તેઓની વચમાં બેઠો.

56 અને એક છોકરીએ તેને [અગ્નિના] પ્રકાશમાં બેઠેલો દેખીને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું કે, આ માણસ પણ તેની સાથે હતો.

57 પણ તેણે ઇનકાર કરીને કહ્યું કે, બાઈ, હું તેને ઓળખતો નથી.

58 અને થોડી વાર પછી બીજાએ તેણે જોઇને કહ્યું કે, તું પણ તેઓમાંનો છે. પણ પીતરે કહ્યું, અરે, ભાઇ, હું [એમાંનો] નથી.

59 અને આસરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, ખરેખર આ માણસ પણ તેની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે.

60 પણ પીતરે કહ્યું, અરે ભાઇ, તું શું કહે છે તે હું જાણતો નથી. અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.

61 અને પ્રભુએ ફરીને પીતરની સામું જોયું. અને પીતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે તેણે તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.

62 અને તે બહાર જઈને ઘણોજ રડ્યો.

63 અને જે માણસોના હવાલામાં ઇસુ હતો તેઓએ તેના ઠઠ્ઠા કરીને તેણે માર માર્યો.

64 અને તેઓએ તેની આંખોએ પાટો બાંધીને તેને પુછ્યું કે કહી બતાવ, તને કોણ માર્યો?

65 અને તેઓએ તેની નિંદા કરીને તેની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

66 અને દહાડો ઉગ્તાંજ લોકના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સુદ્ધાં ભેગી થઇ; ને તેને પોતાની ન્યાયસભામાં લઇ જઈને તેઓએ કહ્યું કે,

67 જો તું ખ્રિસ્ત હોય, તો અમને કહે. પણ તેણે તેઓને કહ્યું કે, જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરશો નહિ;

68 ને જો હું પુછીશ તો તમે મને ઉત્તર નહિ આપશો.

69 પણ હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણે હાથે બિરાજશે.

70 ને બધાએ કહ્યું, તો શું, તું દેવનો દીકરો છે? ને તેણે તેઓને કહ્યું કે, તમે કહો છો કે હું તે છું.

71 અને તેઓએ કહ્યું કે, હવે આપણને પુરાવાની શી અગત્ય છે? કેમકે આપણે પોતે તેના મ્હોથીજ સાંભળ્યું છે.