1 અને ઇસુ પવિત્ર આત્માથી ભરપુર થઈને યર્દનથી પાછો ફર્યો, ને ચાળીસ દહાડા લગી આત્માથી અહીંતહીં રાનમાં દોરવાયો,

2 ને તે [દરમ્યાન] શેતાનથી તેનું પરીક્ષણ થતું; ને તે દિવસોમાં તેણે કંઈ ખાધું નહિ, ને તે પુરા થયા પછી તે ભૂખ્યો થયો.

3 અને શેતાને તેને કહ્યું કે, જો તું દેવનો દીકરો છે તો આ પત્થરને આજ્ઞા કર કે, તે રોટલો થાય.

4 અને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી નહિ જીવશે.

5 અને તે તેને ઉંચી જગ્યાએ લઇ ગયો, ને એક પળમાં જગતનાં સઘળા રાજ્ય તેને દેખાડ્યાં.

6 અને શેતાન તેને કહ્યું કે, આ બધો અધિકાર તથા તેઓનો મહિમા હું તને આપું છું;

7 માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે સઘળું તારું થશે.

8 અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, એમ લખ્યું છે કે, તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું, ને એકલાં તેનીજ સેવા કરવી.

9 અને તે તેને યરૂશાલેમ લઇ ગયો, ને મંદિરના બુરૂજ પર તેને ઉભો રાખીને તેણે તેને કહ્યું કે, જો તું દેવનો છે તો અહીંથી હેઠળ પડ.

10 કેમકે લખ્યું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;

11 અને તેઓ પોતાના હાથે તને ધરી લેશે, રખેને તારો પગ પત્થર પર અફળાય.

12 અને ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, એમ કહેલું છે કે, તારે તારા દેવ પ્રભુનું પરીક્ષણ ન કરવું.

13 અને શેતાન સર્વ પરીક્ષણ પુરૂં કરીને કંઇક મુદત સુધી તેની પાસેથી ગયો.

14 અને ઇસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછો આવ્યો, ને તેના સંબંધીની ચરચા આસપાસમાં આખા દેશમાં ફેલાઈ ગઈ.

15 અને તેણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કીધો, ને સઘળાંથી ને માન પામ્યો.

16 અને નાઝારેથ જ્યાં તે ઊછર્યો હતો ત્યાં તે આવ્યો, ને પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો, ને વાંચવા સારું તે ઉભો થયો.

17 અને યશાયાહ ભવિષ્યવાદીનું પુસ્તક તેને આપવામાં આવ્યું, ને તેણે તે પુસ્તક ઉઘાડીને, જ્યાં નીચે પ્રમાણે લખ્યું છે તે જગ્યા કાઢી કે,

18 પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કીધો છે; બંદીવાનોનો છુટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા,

19 તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારૂ તેણે મને મોકલ્યો છે.

20 અને તેણે પુસ્તક બંદ કીધું, અને સેવકને પાછું આપીને બેસી ગયો, અને સભામાં સહુની નજર તેના પર ચોંટી રહી હતી.

21 અને તે તેઓને કહેવા લાગ્યો કે, આજ આ લેખ તમારા સાંભળતાં પુરો થયો છે.

22 અને બધાએ તેની વિષે સાક્ષી આપી, ને જે કૃપાની વાતો તેના મ્હોમાંથી નીકળી તેથી તેઓએ અચરત થઈને કહ્યું કે, શું એ યુસફનો દીકરો નથી?

23 ને તેણે તેઓને કહ્યું કે, આ દૃષ્ટાંત તમે નિશ્ચય મને કહેશો કે, વૈદ, તું પોતાને સાજો કર; કાપરનાહુમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.

24 અને તેણે કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે, કોઈ ભવિષ્યવાદી પોતાના વતનમાં માન્ય નથી.

25 પણ હુમ તમને સાચું કહું કે એલીયાહના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, ને આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇસ્રાએલમાં હતી;

26 ને એલીયાહને તેઓમાંની કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં એક વિધવા હતી તેનીજ પાસે મોકલવામાં આવ્યો હતો.

27 વળી અલીશા ભવિષ્યવાદીના વખતમાં ઘણા કોઢિયા ઇસ્રાએલમાં હતા, ને સુરીયાના નાઅમાન શિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો.

28 અને એ વાત સાંભળીને સભામાંના સઘળા ક્રોધે ભરાયા;

29 ને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મુક્યો, ને તેને હેઠળ પડી નાખવા સારૂ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેને લઇ ગયા.

30 પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યો ગયો.

31 અને તે ગાલીલના કાપરનાહુમ શહેરમાં આવ્યો; ને વિશ્રામવારે તેઓને બોધ કરતો હતો;

32 અને તેઓ તેના બોધથી અચરત થયા, કેમકે તેનું બોલવું અધિકારસહિત હતું.

33 અને સભાસ્થાનમાં અશુદ્ધ ભૂત વળગેલો એક માણસ હતો, જેણે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે,

34 અરે, ઇસુ નાઝારી, તારે ને અમારે શું છે? શું તું અમારો વિનાશ કરવા આવ્યો છે? તું કોણ છે તે હું જાણું છું, એટલે દેવનો પવિત્ર.

35 અને ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ચાનો રહે, ને તેમાંથી નીકળ. અને ભૂત તેને વચમાં પાડીને તેને કંઈ નુકસાન કીધા વિના તેમાંથી નીકળ્યું.

36 અને બધાને અચરત લાગ્યું, ને તેઓએ મહોમાંહે કહ્યું કે, આ કેવું વચન છે! કેમકે તે અધિકાર તથા પરાક્રમ સહિત અશુદ્ધ આત્માઓને હકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે.

37 અને આસપાસના પ્રદેશની સર્વ જગ્યાએ તેની વિષેની ચર્ચા ફેલાઈ ગઈ.

38 અને સભાસ્થાનમાંથી ઉઠીને તે સીમોનના ઘરમાં ગયો. અને સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, ને તેના હકમાં તેઓએ તેને વિનંતી કીધી.

39 અને તેણે તેની પાસે ઉભા રહીને તાવને ધમકાવ્યો, ને તે તેમાંથી નીકળી ગયો; અને તે તરત ઉઠીને તેઓની સેવા કરવા લાગી.

40 અને સુરજ આથમથી વખતે જેઓને ત્યાં નાના પ્રકારના રોગથી પિડાતા માણસો હતા તેઓ તેમને તેની પાસે લાવ્યા, ને તેણે તેઓમાંના દરેક પર હાથ મુકીને તેઓને સાજા કીધા.

41 અને ભૂતો પણ ઘણાંઓમાંથી નીકળ્યાં, ને ઘાટો પાડીને કહેતા હતા કે, તું દેવનો દીકરો છે. અને તેણે તેઓને ધમકાવ્યાં, ને બોલવા દીધાં નહિ, કેમકે તેઓ જાણતા હતા કે, તે ખ્રિસ્ત છે.

42 અને દહાડો ઉગ્યો ત્યારે તે નીકળીને ઉજડ ઠેકાણે ગયો, ને લોકો તેની શોધ કરતા તેની પાસે આવ્યા, અને તે તેઓની પાસેથી ન જાય માટે તેઓએ તેને અટકાવવાનું કર્યું.

43 પણ તેણે તેઓને કહ્યું કે, મારે બીજાં શહેરોમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમકે એ સારૂ હું મોકલાયો છું.

44 અને ગાલીલનાં સભાસ્થાનોમાં તે વાત પ્રગટ કરતો રહ્યો.