1 તેજ દહાડે ઇસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો.

2 અને અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા, માટે હોડી પર તે ચઢી બેઠો; ને સઘળાં લોક કિનારે ઉભા રહ્યા.

3 અને દૃષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4 અને તે વાવતો હતો ત્યારે કેટલાએક [બી] રસ્તાની કોરે પડ્યાં; ને પક્ષીઓ આવીને તે ખાઇ ગયાં.

5 અને કેટલાંએક પત્થરવાળી ભોંય પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, ને તેને માટીનું ઉંડાણ ન હતું માટે વહેલાં ઉગી નીકળ્યાં.

6 પણ જયારે સુરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં, ને તેણે જડ ન હતી માટે સુકાઈ ગયાં.

7 અને કેટલાંએક કાંટાના જાળામાં પડ્યા; ને કાંટાના જાળાંએ વાળીને તેને દાબી નાખ્યાં.

8 અને બીજા સારી ભોંય પર પડ્યાં ને તેઓએ ફળ આપ્યાં, કેટલાંકે સોગણાં, ને કેટલાંકે સાઠગણાં, ને કેટલાંએક ત્રીસગણાં

9 જેણે સાંભળવાને કાન છે તે સાંભળે.

10 પછી શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે, તું તેઓને દૃષ્ટાંતોમાં શા માટે બોલે છે?

11 ત્યારે તેણે ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.

12 કેમકે જેની પાસે છે તેને અપાશે, ને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઇ લેવાશે.

13 એ માટે હું તેઓને દૃષ્ટાંતોમાં બોલું છું; કેમકે જોતાં તેઓ જોતાં નથી, નને સાંભળતા તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી;

14 ને યશાયાહની ભવિષ્યવાત તેઓ સંબંધી પુરી થઇ, જે કહે છે કે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સુઝશે નહિ.

15 કેમકે એ લોકોનાં મન જડ થઇ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે, ને તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખે કદાપિ તેઓને આંખે સુઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે, ને હું તેઓને સાજા કરું.

16 પણ તમારી આંખોને ધન્ય છે, કેમકે તેઓ જુએ છે; અને તમારા કાનોને [ધન્ય છે], કેમકે તેઓ સાંભળે છે.

17 કારણ કે હું તમને ખચિત કહું છું કે, જે જે તમે જુઓ છો તે તે ઘણા ભવિષ્યવાદીઓએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યાં, પણ જોયાં નહિ; ને જે જે તમે સાંભળો છો તે સાંભળવા ચાહ્યાં પણ સાંભળ્યા નહિ.

18 હવે વાવનારનું દૃષ્ટાંત સાંભળો.

19 જયારે રાજ્યનું વચન કોઇ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવે છે, ને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઇ જાય છે; રસ્તાની કોરે જે બી વાવેલું તે એજ છે.

20 અને પત્થરવાળી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે, વચન સાંભળીને તરત હર્ષથી તેને માંની લે છે.

21 તોપણ તેના પોતામાં જડ નથી; માટે થોડીજ વાર તકે છે, અને જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.

22 અને કાંટાનાં જાળામાં જે બી વાવેલું તે એ છે કે, વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઇ જાય છે.

23 અને સારી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે, વચન સાંભળે છે, ને સમજે છે, ને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, કોઈને સાઠગણાં, ને કોઈને ત્રીસગણાં લાગે છે.

24 તેણે તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, આકાશનું રાજ્ય એક માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારૂ બી વાવ્યું.

25 પણ માણસો ઊંઘતા હતા ત્યારે તેના વૈરીઓ આવીને ઘઉંમાં કડવા દાણા વાવ્યા, ને ચાલ્યો ગયો.

26 પણ જયારે છોડવા ઉગ્યા, ને ઉંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા.

27 ત્યારે તે ઘરઘણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, સાહેબ, તે શું તારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું, તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?

28 અને તેણે તેઓને કહ્યું કે, કોઇ વૈરીએ એ કર્યું છે; ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.

29 પણ તેણે કહ્યું, ના, રખેને તમે કડવા દાણા એકઠાં કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.

30 કાપણી સુધી બેહુને સાથે વધવા ડો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, ને બાળવા સારૂ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.

31 તેણે તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું.

32 તે સઘળાં બી કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.

33 તેણે તેઓને બીજું દૃષ્ટાંત કહ્યું કે, આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક બાયડીએ લઈને લોટના ત્રણ માપમાં મેળવી દીધું, જ્યાં સુધી તે બધું ખમીરવાળું થઇ ગયું.

34 એ બધી વાતો ઇસુએ લોકોને દૃષ્ટાંતોમાં કહી; ને દૃષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ;

35 એ માટે કે ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરું થાય કે, હું મારું મ્હો દૃષ્ટાંતોથી ઉઘાડીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.

36 ત્યારે લોકોને મુકીને તે ઘરમાં ગયો; પછી તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે, ખેતરનાં કડવા દાણાના દૃષ્ટાંતનો અર્થ અમને કહે.

37 ત્યારે તેણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, સારૂ બી જે વાવે છે તે માણસનો દીકરો છે;

38 ને ખેતર જગત છે; ને સારાં બી રાજ્યના છૈઆં છે; પણ કડવા દાણા શેતાનનાં છૈઆં છે;

39 એ જે વૈરીએ તેને વાવ્યાં તે શેતાન છે; ને કાપણી જગતનો અંત છે; એ કાપનારા દૂતો છે.

40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે..

41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભુંડું કરનારાંઓને તેના રાજ્યમાંથી તેઓ એકઠાં કરશે.

42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું તે દાંત પીશ્વું થશે.

43 ત્યારે ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સુરજની પેઠે પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

44 વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દરવ જેવું છે, જે એક માણસને જડ્યું, પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

45 વળી આકાશનું રાજ્ય સારા મોટી શોધનાર કોઇએક વેપારીના જેવું છે;

46 જેને ઘણા મૂલ્યવાન મોતીથી શોધ લાગવાથી તેણે જઈને પોતાનું સર્વ વેચી નાખીને તે વેચાતું લીધું.

47 વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકે સમુદ્રમાં નાખી, ને હરેક જાતનું તેના સમેટાયું.

48 અને જયારે તે ભરાઇ ગઇ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારૂ હતું તે વાસણોમાં એકઠું કીધું, પણ નઠારું ફેંકી દીધું.

49 એમજ જગતને અંતે થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભુંડાઓને જુદા પાડશે;

50 અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

51 શું તમે એ બધી વાતો સમજ્યા? તેઓ તેને કહે છે કે, હા.

52 ત્યારે તેણે તેઓને કહ્યું કે, જે હરેક શાસ્ત્રી આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરઘણી જે પોતાના ભંડારમાંથી નવી તથા જુની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.

53 અને એમ થયું કે ઇસુ એ દૃષ્ટાંતો કહી રહ્યો, ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો.

54 અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કીધો કે, તેઓ અચરત થઈને બોલ્યા કે, અ માણસની પાસે આ જ્ઞાન તથા આ પરાક્રમી કામો ક્યાંથી?

55 શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકુબ તથા યોસી તથા સીમોન તથા યહુદા તેના ભાઇ નથી?

56 ને એની બહેનો શું તેઓ સઘળી આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?

57 અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઇસુએ તેઓને કહ્યું કે, ભવિષ્યવાદી પોતાના દેશ તથા પોતાના ઘર શિવાય [બીજે ઠેકાણે] માન વગરનો નથી.

58 અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણાં પરાક્રમી કામ ન કીધાં.