1 ત્યારે ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા તેને રાનમાં લઇ ગયો,
2 અને ચાળીસ રાત દહાડા ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી.
3 અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે, જો તું દેવનો દીકરો છે, તો કહે કે આ પત્થરો રોટલી થઇ જાય.
4 પણ તેણે ઉત્તર આપતા કહ્યું, એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મ્હોમાંથી નીકળે છે તેથી જીવશે.
5 ત્યારે શેતાન તેને લઈને પવિત્ર નગરમાં જાય છે, ને મંદિરના બુરૂજ પર બેસાડે છે;
6 અને તેને કહે છે કે,, જો તું દેવનો દીકરો છે, તો પોતાને હેઠળ પાડી નાખ; કેમકે લખ્યું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે, ને તને તેઓ પોતાના હાથો પર ધારી લેશે, કે રખેને તારો પગ પત્થર સાથે અફળાય.
7 ઇસુએ તેને કહ્યું, એ પણ લખ્યું છે કે, પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર.
8 ફરી શેતાન તેને લઈને ઉંચા પહાડ પર જાય છે, ને જગતનાં સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે;
9 ને તેને કહ્યું કે, જો તું પગે પાડીને મારું ભજન કરે, તો આ સઘળા હું તને આપીશ.
10 ત્યારે ઇસુ તેને કહે છે કે, અરે શેતાન, આઘો જા; કેમકે લખ્યું છે કે, પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાનીજ સેવા કર.
11 ત્યારે શેતાન તેને મૂકીને જાય છે, ને જુઓ, દૂતોએ પાસે આવીને તેની સેવા કરી.
12 યોહાન બંદીવાન કરાયો, એવું સાંભળીને ઇસુએ ગાલીલમાં પાછો ગયો.
13 અને નાઝારેથ મૂકીને ઝબુલોનની તથા નફથાલીમની સીમમાંના સમુદ્ર પાસેના કાપરનાહુમમાં આવી રહ્યો.
14 એ માટે કે યશાયાહ ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરું થાય કે,
15 ઝબુલોનના પ્રાંતના તથા નફથાલીમનાં પ્રાંતના, યરદન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના
16 જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.
17 ત્યારથી ઇસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે, પસ્તાવો કરો, કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
18 અને ઇસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઇઓને, એટલે સીમોન જે પીતર કહેવાય છે તેને તથા તેના ભાઇ આંદ્રયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમકે તેઓ માછલાં પકડનારા હતા.
19 ત્યારે તે તેઓને કહે છે કે, મારી પાછળ આવો, ને હું તમને માણસોના પકડનારા કરીશ.
20 અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા.
21 અને તેણે ત્યાંથી આગળ જતાં બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકુબને તથા તેના ભાઇ યોહાનને, તેઓના બાપ ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઇને તેઓને પણ તેડ્યા.
22 ત્યારે તેઓ વહાણને તથા પોતાના બાપને તરત મુકીને તેની પાછળ ગયા.
23 અને ઇસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો, ને રાજ્યની સુવાર્ત્તા પ્રગટ કરતો, ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો, આખા ગાલીલમાં ફર્યો.
24 ત્યારે આખા સુરીઆમાં તેની કીર્તિ ફેલાઈ ગઇ, ને તેઓ સઘળાં માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેની પાસે લાવ્યા; ને તેણે તેઓને સાંજા કીધાં.
25 અને ગાલીલથી તથા દકાપલીસથી તથા યરૂશાલેમથી તથા યહુદાહથી તથા યરદનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેની પાછળ ગયાં.