2 યહોશુઆએ સર્વ ઇસ્રાએલને ને તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને, ને તેઓના ન્યાયાધીશોને, ને તેઓ પરના અધિકારીઓને બોલાવીને તેઓને કહ્યું, હું ઘણો વૃદ્ધ થયો છું;
3 ને તમારા દેવ યહોવાહે આ સર્વ દેશજાતિઓને તમારે લીધે જે કીધું, તે સર્વ તમે જોયું છે; કેમકે તમારા દેવ યહોવાહે પોતે તમારે સારૂ યુદ્ધ કીધું છે.
4 જુઓ, બાકી રહેલી દેશજાતિઓનો ને જે દેશજાતિઓ મેં કાપી નાખી છે તે સર્વનો દેશ, યરદનથી માંડીને છેક આથમણી તરફ મોટા સમુદ્ર સુધી,મેં તમને તમારાં કુળોને વાસ્તે વતનને સારૂ વહેંચી આપ્યો છે.
5 અને યહોવાહે તમારો દેવ પોતે તેઓને તમારી આગળથી ઠેલી કાઢશે,ને તમારી દૃષ્ટિ આગળથી કાઢી મુકશે; ને તમારા દેવ યહોવાહે તમને વચન આપ્યું હતું તેમ, તમે તેઓનો દેશ વતનમાં લેશો.
6 એ માટે મુસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળીને અમલમાં આણવાને ઘણા હિમ્મતવાન થાઓ, ને તેથી જમણે કે ડાબે હાથે તમે ફરો નહિ;
7 ને તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહે છે, તેઓ મધ્યે ન જાઓ; ને તેઓના દેવોનો નામું ઉચ્ચારણ ન કરો, એ તેઓના સોગન ન દો, ને તેઓની સેવા પણ ન કરો, ને તેઓને પગે ન લાગો;
8 પણ આજ સુધી તમે કરતાં આવ્યા તેમ, પોતાના દેવ યહોવાહને વળગી રહો.
9 કેમકે યહોવાહે તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓ હાંકી કાઢી છે; પણ તમારી આગળ તો આજ સુધી કોઇ ટક્યો નથી.
10 તમારામાંનો એક માણસ હજારને નસાડશે; કેમકે તમારા દેવ યહોવાહે તમને કહ્યું તેમ, તે પોતે તમારે સારૂ યુદ્ધ કરે છે.
11 તો પોતાના દેવ યહોવાહ પર પ્રીતિ કરવાની ઘણી કાળજી રાખો.
12 કેમકે જો તમે કોઇ પણ પ્રકારે પાછી હઠશો, ને તમારી પાસે રહેલી આ દેશજાતિઓને, એટલે જે બાકી રહેલી છે, તેઓને વળગી રહેશો, ને તેઓ સાથે લગ્નવ્યવ્હાર કરીને તેઓ મધ્યે જશો, ને તેઓ તમારા મધ્યે આવશે;
13 તો ખચિત જાણજો કે તમારો દેવ યહોવાહ હવે પછી આ દેશજાતિઓને તમારી નજર આગળથી હાંકી કાઢનાર નથી;ને આ સારી ભૂમિ જે તમારા દેવ યહોવાહે તમને આપી છે, તે ઉપરથી તમે નષ્ટ થઇ જશો ત્યાં સુધી તેઓ તમને ફંદા તથા ફાંસારૂપ, ને તમારી કૂખોમાં ફટકારૂપ, અને તમારી આંખોમાં કાંટારૂપ થશે.
14 અને જુઓ, આજ હું જગતના સર્વ લોકને સારૂ ઠરાવેલે માર્ગે જાઉં છું; તમારા સર્વ અંતઃકરણમાં ને આત્મામાં તમે જાણો છો કે, જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તે સઘળાંમાનું એકે નિષ્ફળ ગયું નથી; સર્વ તમારા પ્રત્યે પૂરાં થયા છે, તેમાંનું એક નિષ્ફળ ગયું નથી.
15 એ એવું થશે કે, જેમ તમારા દેવ યહોવાહે તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્યે પૂરાં થયાં, તેમજ, જે આ સારી ભૂમિ તમારા દેવ યહોવાહે તમને આપી છે, તે ઉપરથી તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારા પર સર્વ [કહેલી] વિપત્તિઓ પણ લાવશે.
16 તમારા દેવ યહોવાહે જે કરાર તમને ફરમાવ્યો, તેનું જયારે તમે ઉલ્લંઘન કરશો, ને બીજા દેવોની સેવા કરશો, ને તેઓને પગે લાગશો, ત્યારે યહોવાહનો કોપ તમારા ઉપર સળગશે ને જે સારો દેશ તેણે તમને આપ્યો છે, તે ઉપરથી તમારો વહેલો નાશ થશે.