1 અને થોડી મુદત પછી એમ થયું કે તે શહેરે શહેર તથા ગામોગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા કહેતો ફર્યો, ને તેની સાથે બાર શિષ્યો હતા,
2 ને કેટલીક બાયડીઓ જે ભુંડા આત્માઓથી તથા મંદવાડોથી સાજી કરવામાં આવી હતી, એટલે માગ્દાલેણ કહેવાએલી મરિયમ જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં તે,
3 તથા હેરોદના કારભારી ખુઝાની વહુ યોહાન્ના તથા સુસાન્ના તથા બીજી ઘણી બાયડીઓ જેઓ પોતાની પુંજીમાંથી તેની સેવા કરતી હતી તેઓ પણ [તેની સાથે] હતી.
4 અને જયારે અતિ ઘણા લોક એકઠા થયા, ને શહેરે શહેરના લોક તેની પાસે આવ્યા, ત્યારે તેણે દ્રષ્ટાંત કહ્યું કે,
5 વાવનાર પોતાનાં બી વાવવાને ગયો, ને તે વાવતો હતો ત્યારે કેટલાએક માર્ગની કોરે પડ્યા; ને તે પગતળે ખુંદાઈ ગયાં, ને આકાશનાં પક્ષીઓ તે ખાઈ ગયાં.
6 અને બીજાં પત્થર પર પડયાં, ને તેને ભીનાસ મળી નહિ માટે ઉગ્યાં તેવાંજ તે ચિમળાઈ ગયાં.
7 અને બીજાં કાંટાઓમાં પડ્યાં, ને કાંટાઓએ તેની સાથે ઉગીને તેને દાબી નાખ્યાં.
8 અને બીજાં સારી ભોંયમાં પડ્યાં, ને ઉગ્યાં, ને તેને સોગણું ફળ આવ્યું. એ વાતો કહેતા તેણે ઘાંટો પાડીને કહ્યું કે, જેણે સાંભળવાને કાન છે તેણે સાંભળવું.
9 અને તેના શિષ્યોએ તેને પુછ્યું કે, એ દ્રષ્ટાંત [નો અર્થ] શો હશે?
10 ને તેણે કહ્યું કે, દેવના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જોતા તેઓ જુએ નહિ, ને સાંભળતા તેઓ સમજે નહિ.
11 હવે દ્રષ્ટાંત[નો અર્થ] આ છે; બી તો દેવની વાત છે.
12 અને માર્ગની કોર પરનાં તો સાંભળનારા છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી વાત લઇ જાય છે, રાખે તેઓ વિશ્વાસ કરીને તારણ પામે.
13 અને પત્થર પરનાં તો એ છે કે, જેઓ સાંભળીને વાત હરખથી માની લે છે; અને તેઓને જડ નથી,માટે તેઓ થીડી વાર સુધી વિશ્વાસ કરે છે, ને પરીક્ષણની વેળાએ પાછા હઠે છે.
14 અને જે કાંટાઓમાં પડ્યાં તે એ છે કે, જેઓએ વાત સાંભળી છે, ને પોતાને માર્ગ ચાલતા ચાલતા સંસારની ચિંતા તથા દ્રવ્ય તથા વિલાસથી દબાય જાય છે, ને તેઓને પાકું ફળ આવતું નથી.
15 અને સારી ભોંયમાં પડેલી એ છે કે, જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વાત પકડી રાખે છે, ને ધીરજથી ફળ આપે છે.
16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણથી ઢાંકતો નથી, અથવા ખાટલા હેઠળ મુકતો નથી; પણ દીવી પર મુકે છે કે માંહે આવનારાઓ અજવાળું જુએ.
17 કેમકે પ્રગટ નહિ કરાશે, એવું કંઈ છાનું નથી; ને જણાશે નહિ, તથા ઉધાડું નહિ થશે, એવું કંઈ ગુપ્ત નથી.
18 માટે તમે કેવી સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમકે જેની પાસે છે તેને અપાશે; ને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઇ લેવાશે.
19 અને તેની મા તથા ભાઈઓ તેની પાસે આવ્યાં, પણ લોકની ભીડને લીધે તેઓ તેની નજદીક જઈ શક્યાં નહિ.
20 અને તેને [કોઈએ] ખબર આપી કે, તારી મા તથા તારા ભાઈઓ બહાર ઉભાં રહ્યા છે, ને તને મળવા ચાહે છે.
21 પણ તેણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, આ જેઓ દેવની વાત સાંભળે છે તથા પાળે છે તેઓ મારી મા તથા ભાઈઓ છે.
22 અને એ અરસામાં એક દહાડો એમ થયું કે તે પોતાના શિષ્યોની સાથે હોડી પર ચઢયો; ત્યારે તેણે તેઓને કહ્યું કે, આપણે સરોવરને પેલે પાર જઈએ; ને તેઓ નીકળ્યા.
23 અને તેઓ હંકારતા હતા એટલામાં તે ઉંધી ગયો; ને સરોવર પર પવનનું તોફાન આવી પડ્યું; ને [પાણીથી હોડી] ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં હતા.
24 અને તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે, સાહેબ, સાહેબ, સાહેબ, અમે નાશ પામીએ છીએ. ત્યારે તેણે ઉઠીને પવનને તથા પાણીના મોજાને ધમકાવ્યાં, ને તેઓ બંધ પડ્યાં, ને શાંતિ થઇ.
25 અને તેણે તેઓને કહ્યું કે, તમારો વિશ્વાસ ક્યાં છે? ને તેઓ બંન્ને અચરત થયા, ને માંહોમાંહે કહ્યું કે, આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે ને તેઓ એનું માને છે?
26 અને ગાલીલની સામેના ગેરાસીનીઓના દેશમાં તેઓ પહોંચ્યા.
27 અને તે કાંઠે ઉતર્યો, ત્યારે શહેરમાંથી એક માણસ તેને મળ્યો જેણે ભૂતો વળગેલાં હતાં; ને ઘણી મુદતથી તે લુગડાં પહેરતો ન હતો, ને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.
28 અને તેણે ઇસુને દીઠો ત્યારે તે બૂમ પાડીને તેની આગળ પડ્યો ને મોટે ઘાટે કહ્યું કે, ઓ ઇસુ, પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને વિનંતી કરું છું કે મને પીડા ન દે.
29 કારણ કે તેણે અશુદ્ધ આત્માને તે માણસમાંથી નીકળવાનો હુકમ કીધો હતો. કેમકે તે વારે વારે તેને વળગ્યો હતો; ને સાંકળોથી તથા બેડીઓથી તેને બાંધીને કબજે રાખતા હતા; પણ બંધનો તોડી નાખીને તે ભૂતથી રાનમાં હંકાઈ જતો હતો.
30 અને ઇસુએ તેને પુછ્યું કે, તારું નામ શું છે? ને તેણે કહ્યું કે, સેના, કેમકે ઘણા ભૂતો તેમાં પેઠા હતાં.
31 અને તેઓએ તેને વિનંતી કીધી કે, અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કર.
32 હવે ત્યાં ઘણાં ભુંડોનું ટોળું પહાડ પર ચરતું હતું; ને તેઓએ તેને વિનંતી કીધી કે, અમને તેઓમાં પેસવાની રજા આપ. અને તેણે તેઓને રજા આપી.
33 અને ભૂતો તે માણસમાંથી નીકળીને ભુંડોમાં પેઠાં; ને તે ટોળું કરાડા પરથી સરોવરમાં ઘસી પડ્યું, ને ડુબી મુઉં.
34 અને જે થયું તે જોઇને ચરાવનારા નાઠા, ને શહેરમાં તથા ગામડાંમાં તે જાહેર કર્યું.
35 અને જે થયું તે જોવા સારૂ લોક નીકળ્યા, ને ઇસુની પાસે આવ્યા; અને જે માણસમાંથી ભૂતો નીકળ્યાં હતાં તેને તેઓએ [લૂગડાં] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઇસુના પગ આગળ બેઠેલો દીઠો; ને તેઓ બીધા.
36 અને ભૂત વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહ્યું.
37 અને ગેરાસીનીઓના આસપાસના દેશમાં સર્વ લોકે તેને વિનંતી કીધી કે, અમારી પાસેથી ચાલ્યો જા; કેમકે તેઓને ઘણી દહેશત લ્લાગી હતી. અને તે હોડી પર ચઢીને પાછો ગયો.
38 પણ જ માણસમાંથી ભૂતો નીકળ્યાં હતાં તેણે તેની સાથે રહેવા સારૂ વિનંતી કરી; પણ તેણે તેને વિદાય કરતા કહ્યું કે,
39 તારે ઘેર પાછો જા, ને દેવે તારે સારૂ કેવાં મોટાં કામ કીધાં છે તે કહી જણાવ. અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારૂ કીધાં હતાં, તે આખા શહેરમાં પ્રગટ કીધું.
40 અને ઇસુ પાછો આવ્યો, ત્યારે લોકોએ તેનો આવકાર કીધો; કેમકે બધા તેની વાટ જોતા હતા.
41 અને જુઓ, યાઅરસ નામે એક માણસ આવ્યો, ને તે સભાસ્થાનનો અધિકારી હતો; ને તેણે ઇસુને પગે પડીને તેને વિનંતી કીધી કે, મારે ઘેર આવ;
42 કેમકે તેને આસરે બાર વરસની એકનીએક દીકરી હતી, ને તે મરવા પડી હતી. પણ તે જતો હતો તે દરમ્યાન ઘણા લોકે તેના પર પડાપડી કીધી.
43 અને એક બાયડીને બાર વરસથી લોહીવા હતો, ને તેનીઓ પોતાની બધી પુંજી વૈદો પાછળ ખરચી નાખી હતી, પણ કોઇથી તે સાજી થઇ શકી નહિ.
44 તે તેની પછવાડે આવીને તના લૂગડાંની કોરને અડકી, ને તરત તેનો લોહીવા બંધ થયો.
45 અને ઈસુએ કહ્યું કે, મને કોણ અડક્યું? ને બધાએ ના કહી, ત્યારે પીતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, સાહેબ, ઘણા લોક તારા ઉપર પડાપડી કરે છે, ને [તને] ચગદી નાખે છે.
46 પણ ઈસુએ કહ્યું કે, કોઈ મને અડક્યું ખરું; કેમકે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.
47 અને જયારે તે બાયડીએ જાણ્યું કે હું ગુપ્ત રહી નથી, ત્યારે તે ધ્રુજતી ધ્રુજતી આવી, ને તેને પગે પડીને શા કારણથી તે તેને અડકી હતી, ને શી રીતે તરત સાજી થઇ હતી, તે તેણીએ બધા લોકની આગળ તેને કહી સંભળાવ્યું.
48 અને તેણે તેને કહ્યું કે, દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.
49 તે હજી બોલતો હતો એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જાણે આવીને તેને કહ્યું કે, તારી દીકરી મરી ગઈ છે, ઉપદેશકને તસ્દી ન દે.
50 પણ તે સાંભળીને ઇસુએ તેને ઉત્તર આપ્યો કે, બી મા, માત્ર વિશ્વાસ કર, ને તે સાજી થશે.
51 અને તે ઘરમાં આવ્યો, ત્યારે પીતર તથા યાકુબ તથા યોહાન તથા છોકરીનાં માબાપ શિવાય તેણે કોઈને પોતાની સાથે માંહે આવવા દીધું નહિ.
52 અને બધાં તેણીને સારૂ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ તેણે કહ્યું કે, રડો મા; કેમકે તે મારી ગઈ નથી, પણ ઉંઘે છે.
53 અને તે મારી ગઈ છે એમ જાણીને તેઓએ તેને હસી કાઢ્યો.
54 પણ તેણે તેનો હાથ પકડીને મોટે ઘાટે કહ્યું કે, છોકરી, ઉઠ.
55 અને તેનો આત્મા પાછો આવ્યો, ને તે તરત ઉઠી; ને તેણે તેને ખાવાનું આપવાનો હુકમ કીધો.
56 અને તેનાં માબાપ અચરત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, જે થયું તે કોઈને કહેતા ના.